પ્રાકૃતિક કૃષિ અપનાવી ધરતી માતાને ઝેરમુક્ત કરવા ખેડૂતો સંકલ્પબદ્ધ બને: – રાજ્યપાલ
બાયસેગના માધ્યમથી રાજ્યના ખેડૂતો સાથે સંવાદ કરતા રાજ્યપાલશ્રી :-પૂર્વજોએ સોંપેલી ઉપજાઉ ભૂમિનું સંરક્ષણ નહીં કરીએ તો આવનારી પેઢી આપણને માફ નહીં કરે- જળ-જમીન અને પર્યાવરણની રક્ષા સાથે લોકોના સ્વાસ્થ્યની જાળવણી માટે પ્રાકૃતિક કૃષિ આજના સમયની માંગ પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે અન્ય રાજ્યો ગુજરાતને અનુસરે તેવી સ્થિતિનું નિર્માણ કરવા રાજ્યના ખેડૂતોને આહ્વાન કરતા રાજ્યપાલશ્રી
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે બાયસેગના માધ્યમથી રાજ્યભરના ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકોના અંધાધુંધ ઉપયોગથી જમીન બંજર બનતી જાય છે, ત્યારે પ્રાકૃતિક કૃષિ અપનાવી ધરતી માતાને ઝેર મુક્ત કરવા ખેડૂતો સંકલ્પબદ્ધ બને. રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિ અપનાવી કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જવાનો હાલ ઉચિત સમય છે, તેમ જણાવી વધુ ને વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાય તેવો આગ્રહ કર્યો હતો.
રાજ્યપાલશ્રીએ ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન એન્ડ જીયો ઇન્ફોર્મેટિક્સ બાયસેગના માધ્યમથી જિલ્લામાં આવેલાં કિસાન તાલીમ કેન્દ્ર, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ ગામના ઇ-ગ્રામ સેન્ટર વગેરે સ્થળો પર ઉપસ્થિત રાજ્યભરના ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે, રૂપિયા કે સિક્કાથી પેટ ભરાતું નથી
પરંતુ ખેડૂતોએ ખેતરમાં ઉગાડેલા અનાજ, શાકભાજી વગેરેથી પેટ ભરાય છે, એનો અર્થ એ થયો કે ખેડૂતો જીવનને પોષણ આપવાનું, જીવન બચાવવાનું ઇશ્વરીય કાર્ય કરી રહ્યા છે, ત્યારે પૂર્વજોએ સોંપેલી ઉપજાઉ ભૂમિનું સંરક્ષણ નહીં કરીએ તો આવનારી પેઢી આપણને ક્યારેય માફ નહીં કરે.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોના ઉત્કર્ષ માટે અને કૃષિને આત્મનિર્ભર બનાવવા માટે અનેકવિધ પગલાં ભર્યા છે, એટલું જ નહીં ખેતી અને ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે તેમણે દેશભરના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહ્વાન કર્યું છે.
રાજ્યપાલશ્રીએ હરિત ક્રાંતિ માટે રાસાયણિક કૃષિને જે તે સમયની માંગ ગણાવી હતી. પરંતુ હવે રાસાયણિક કૃષિના દુષ્પરિણામો સામે આવી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, રાસાયણિક કૃષિથી જળ-જમીન અને પર્યાવરણ દૂષિત થાય છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ઉપયોગથી જમીન બંજર બનતી જાય છે, કૃષિ ખર્ચ સતત વધતો જાય છે.
ઉત્પાદન ઘટતું જાય છે, પરિણામે ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી છે. રાસાયણિક કૃષિથી ઉત્પાદિત પ્રદૂષિત આહારને આરોગવાથી લોકોના સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા સર્જાઈ છે. રાસાયણિક કૃષિના મજબૂત વિકલ્પ તરીકે પ્રાકૃતિક કૃષિ અપનાવવી એ આજના સમયની માંગ છે કારણ કે,પ્રાકૃતિક કૃષિમાં નહિવત્ ખર્ચ થાય છે અને ઉત્પાદન ઘટતું નથી. પ્રાકૃતિક કૃષિથી જળ-જમીન અને પર્યાવરણ ઉપરાંત લોકોના સ્વાસ્થ્યની રક્ષા થાય છે, એમ પણ રાજ્યપાલશ્રીએ જણાવ્યુ હતું.
આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિના બીજામૃત, ઘનજીવામૃત, જીવામૃત, આચ્છાદન, વાપ્સા અને મિશ્રપાકના સિદ્ધાંતોને સમજાવી આ ખરીફ ઋતુમાં ખેતરમાં વાવેલાં પાકમાં દેશી ગાયના છાણ-ગૌમૂત્ર, બેસણ, ગોળ અને માટીના પાણીમાં બનાવેલા મિશ્રણ થી બનતા જીવામૃતને પાણી સાથે આપવા
તેમજ જીવામૃતના પાણીમા બનાવેલા મિશ્રણનો દર પંદર દિવસે છોડ ઉપર છંટકાવ કરવા ખેડૂતોને અનુરોધ પણ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ઉપયોગથી જમીનનો ઓર્ગેનિક કાર્બન નાશ પામે છે અને જમીન બિન-ઉપજાઉ બને છે.
જ્યારે પ્રાકૃતિક કૃષિમાં જમીનમાં સૂક્ષ્મ જીવાણું અને અળસિયાં જેવા મિત્ર જીવોની વૃદ્ધિ થવાથી જમીનના ઓર્ગેનિક કાર્બનની માત્રામાં વધારો થાય છે અને જમીન ફળદ્રુપ બને છે. રાજ્યપાલશ્રીએ જૈવિક અર્થાત્ ઓર્ગેનિક કૃષિ અને પ્રાકૃતિક કૃષિને સાવ અલગ ગણાવી જણાવ્યું હતું કે, જંગલમા વૃક્ષો અને વનસ્પતિને કોઈ જાતનું રાસાયણિક ખાતર કે જંતુનાશકો આપવામાં આવતા નથી છતાં તેની કુદરતી રીતે વૃદ્ધિ થાય છે. એ જ નિયમથી ખેતરમાં ખેતી થાય તે પ્રાકૃતિક કૃષિ છે.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે વધુ ને વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાય તે માટે જન અભિયાન ઉપાડ્યું છે. ડાંગ જિલ્લાને દેશનો પ્રથમ પ્રાકૃતિક કૃષિ સંપન્ન જિલ્લો જાહેર કરવમાં આવ્યો છે. ત્યારે પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે અન્ય રાજ્યો ગુજરાતને અનુસરે તેવી સ્થિતિનું નિર્માણ કરવા રાજ્યપાલશ્રીએ ગુજરાતના ખેડૂતોને આહ્વાન કર્યું હતું.
આ કાર્યક્રમની શરૂઆતમાં રાજ્યના પશુપાલન સચિવ શ્રી કે. એમ. ભીમજિયાણીએ રાજ્યપાલશ્રીનું સ્વાગત કરી ખેડૂતોની સમૃદ્ધિ માટે પ્રાકૃતિક કૃષિને આવશ્યક ગણાવી હતી. કાર્યક્રમના અંતે આત્મા પરિયોજના ડાયરેક્ટર શ્રી પ્રકાશ રબારીએ આભાર દર્શન કર્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા-તાલુકા કક્ષાએથી વહિવટીતંત્રના અધિકારીઓ ઉપરાંત કૃષિ, બાગાયત અને આત્મા પરિયોજનાના અધિકારીઓ તેમજ વિશાળ સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા.