પ્રાકૃતિક કૃષિ દેશની કૃષિ ક્રાંતિ છે: રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
જળ, જમીન અને હવાને શુદ્ધ રાખતી ખેતી એટલે પ્રાકૃતિક ખેતી
પ્રાકૃતિક કૃષિ એ માત્ર ખેતી નથી, પરંતુ તેનાથી પર્યાવરણના બચાવની સાથે પાણીની શુદ્ધતા, ગૌ માતાનું રક્ષણ તેમજ ખેડૂતોની આવક વધવા સાથે ઝેરમુક્ત કૃષિ ઉત્પાદનો લોકોને મળી રહેશે
રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ રાષ્ટ્રીય અભિયાન અંતર્ગત પ્રાકૃતિક કૃષિ કેન્દ્રના પ્રશિક્ષકો માટે આયોજિત બે દિવસીય રાષ્ટ્રીય કાર્યશાળાનો શુભારંભ
ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં પંચમહાલ જિલ્લાના હાલોલમાં આવેલી ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય ખાતે પ્રાકૃતિક કૃષિના રાષ્ટ્રીય અભિયાન અંતર્ગત “પ્રાકૃતિક કૃષિ કેન્દ્રના પ્રશિક્ષકો” માટે આયોજીત બે દિવસીય રાષ્ટ્રીય કાર્યશાળાનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો.
આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, દેશની પ્રથમ પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય ખાતે યોજાયેલ આ વૈજ્ઞાનિકો અને સંશોધકો માટેની કાર્યશાળા આગામી સમયમાં દેશભરમાં થનાર પ્રાકૃતિક કૃષિના વિકાસમાં મહત્વનું યોગદાન રહેશે. માનવતાના કલ્યાણ માટે નવી આશા પુરી પાડશે. આ કાર્યશાળા માનવતાને નવી દિશા આપશે અને ભારતના સ્વસ્થ અને સમૃદ્ધ ભવિષ્ય માટે પાયાનો પથ્થર સાબિત થશે. રાજ્યપાલશ્રીએ આ પ્રકૃતિ આધારિત કૃષિ પદ્ધતિને શ્રેષ્ઠ ધર્મ અને પૃથ્વીન બચાવ માટે શ્રેષ્ઠ ઉપાય ગણાવ્યો હતો.
રાજ્યપાલશ્રીએ દેશી ગાય આધારીત પ્રાકૃતિક કૃષિને દેશની કૃષિ ક્રાંતિ તરીકે ઓળખાવી હતી. તેમણે જણાવ્યું કે, જમીનમાં ઓર્ગેનિક કાર્બન ઘટતા અને રાસાયણિક ખાતરનો ઉપયોગ વધતાં તેમાંથી ઉત્પન્ન થતા અન્ન, ફળ અને શાકભાજી ઝેરયુક્ત હોય છે અને માનવ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. જેને પરિણામે કેન્સર, હ્રદયરોગ અને ડાયાબિટીસ જેવી બિમારીઓ વધી છે. આ બધામાંથી બચવાનો એક માત્ર ઉપાય પ્રાકૃતિક કૃષિ છે, તેમ કહી રાજ્યપાલશ્રીએ વધુમાં ઉમેર્યું કે, દેશમાં મિશન મોડ પર પ્રાકૃતિક કૃષિ અભિયાન ચલાવવામાં આવ્યું છે, તેને આગળ વધારવા આપણે સૌ પ્રયાસરત રહીએ તે જરૂરી છે.
રાજ્યપાલશ્રી દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગને કારણે ધરતી માતાનું સ્વાસ્થ્ય બગડ્યું છે. જેને પરિણામે ધરતી માતા બિન ઉપજાઉ બની છે. તેમણે પ્રાકૃતિક કૃષિ એ માત્ર ખેતી નથી પરંતુ તેનાથી પર્યાવરણના બચાવ સાથે પાણીની શુદ્ધતા, ગૌ માતાનું રક્ષણ, ખેડૂતોની આવક વધવા સાથે ઝેરમુક્ત કૃષિ ઉત્પાદનો લોકોને મળી રહેશે તેમ ઉમેર્યું હતું. પ્રાકૃતિક જીવનશૈલી અપનાવી પ્રકૃતિનો સહયોગ કરવાનો અનુરોધ કર્યો હતો. તેમણે પ્રાકૃતિક કૃષિને જળ, જમીન અને હવાને શુદ્ધ રાખતી ખેતી ગણાવી હતી.
રાજ્યપાલશ્રી એ હાલોલ ખાતે યોજાયેલ સેમિનારમાં ઉપસ્થિત તમામને પ્રાકૃતિક કૃષિ અભિયાનને સફળ બનાવવાનો અનુરોધ કરી પ્રશિક્ષણ સેમીનાર માટે અભિનંદન પાઠવ્યા હતા અને તમામને પ્રાકૃતિક કૃષિને પરિણામથી પ્રમાણ સુધી લઈ જવાની અપીલ કરી હતી.આ કાર્યક્રમમાં કેન્દ્રના કૃષિ વિભાગના સચિવ શ્રી દેવેશ ચતુર્વેદીએ નેશનલ મિશન ફોર નેચરલ ફાર્મિંગ વિશે માહિતી આપી હતી તથા પ્રાકૃતિક ખેતી માટેના વૈજ્ઞાનિક અભિગમ જણાવ્યા હતા. તેમણે પ્રાકૃતિક કૃષિના પ્રચારને શાશ્વત આર્થિક વૃદ્ધિ માટે આવશ્યક ગણાવ્યું હતું.
કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી ડૉ.અંજુ શર્માએ ગુજરાતમાં નેશનલ મિશન ફોર નેચરલ ફાર્મિંગ અને પ્રાકૃતિક કૃષિ વિષે માહિતી આપીને કહ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ એ વૈજ્ઞાનિક પદ્ધતિ છે, જે સ્વાસ્થ્ય અને પર્યાવરણને જાળવવા માટે શ્રેષ્ઠ છે.હરિયાણાની હિસાર યુનિવર્સિટીના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. બલજીત સહારને પ્રાકૃતિક ખેતીની વૈજ્ઞાનિક પદ્ધતિઓની વિગતવાર માહિતી આપી અને તેના અસરકારક પરિણામો દર્શાવ્યા હતા. જ્યારે કેન્દ્રના કૃષિ વિભાગના ઉપ સચિવ શ્રી રચના કુમારે નદી કિનારે પ્રાકૃતિક ખેતીના વિસ્તરણ માટેની યોજનાઓના મહત્વ પર ભાર મૂક્યો હતો.
પ્રારંભમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના કુલપતિ શ્રી ડૉ. સી.કે. ટીંબડિયાએ ઉપસ્થિત સૌનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, બે વર્ષ અગાઉ રાજ્યપાલશ્રીએ જ યુનિવર્સિટીનો પાયો નાખ્યોં હતો. દેશના સાત રાજ્યોમાંથી આવેલા કૃષિ વૈજ્ઞાનિકો અને કૃષિ સંશોધકો માટે યોજાયેલ બે દિવસના પ્રાકૃતિક કૃષિના સેમિનારમાં થનાર કાર્યક્રમની રૂપરેખા આપી હતી. અને આ સેમિનાર પ્રાકૃતિક કૃષિના રાષ્ટ્રવ્યાપી અભિયાનને સફળ બનાવવામાં મહત્વની સાબિત થશે તેમ જણાવ્યું હતુ.
વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી- કામધેનુ યુનિવર્સિટી ડૉ. એમ.એમ.ત્રિવેદી દ્વારા ઉપસ્થિત સૌને પ્રાકૃતિક કૃષિની વૈજ્ઞાનિક પધ્ધતિઓ વિષે માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ યુનિવર્સિટી ખાતેના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી, ફાર્મ પરના મિશ્ર પાકો જોઈને તેની સરાહના કરી હતી તથા જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.ઉલ્લેખનીય છે કે, નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ હેઠળ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયને પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર તરીકે પસંદ કરવામાં આવી છે. જે અંતર્ગત તા.૨૩ અને તા.૨૪ જાન્યુઆરી દરમિયાન ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય ખાતે પ્રાકૃતિક કૃષિના રાષ્ટ્રીય અભિયાન અંતર્ગત પ્રાકૃતિક કૃષિ કેન્દ્રના પ્રશિક્ષકો માટે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેનો મુખ્ય હેતુ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારી વિશ્વને પ્રાકૃતિક કૃષિ માટે નવી દિશા અને વૈજ્ઞાનિક ઉકેલો પૂરા પાડવા તથા ભારતમાં કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભરતા લાવવાનો છે.આ પ્રસંગે કેન્દ્રના કૃષિ વિભાગના સંયુક્ત સચિવ શ્રી ફ્રેન્કલિન ખોબુંગ, જિલ્લા કલેકટરશ્રી આશિષકુમાર, નાયબ વન સંરક્ષકશ્રી, હાલોલ પ્રાંત અધિકારીશ્રી, દેશભરમાંથી મોટી સંખ્યામાં વૈજ્ઞાનિકો, વિદ્યાર્થીઓ અને કૃષિ સેન્ટરના સંશોધકશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.