પ્રાકૃતિક ખેતીથી નવી ક્રાંતિ આવશેઃ રાજ્યપાલ દેવવ્રત

રસાયણિક ખેતીથી પ્રકૃત્તિને ખુબ ગંભીર નુકસાનઃ રાજ્યપાલ
અમદાવાદ, રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ પ્રાકૃતિક ખેતી અંગેના ખેડૂત તરીકેના સ્વઅનુભવો રજુ કરી જુનાગઢના સરદાર પટેલ સભાગૃહમાં ઉપસ્થિત ૧૮૦૦ જેટલા ખેડૂત ભાઇઓ-બહેનો સાથે સીધો સંવાદ કર્યો હતો. રાજયપાલએ ખેડૂતોને પશ્નોતરી કરીને પ્રાકૃતિક ખેતીનો પ્રતિભાવ પણ જાણ્યો હતો.
રાજ્યપાલએ કુરૂક્ષેત્રમાં તેમની ૧૫૦ એકર જમીન પર પ્રાકૃતિક ખેતી થઇ રહી છે, તે ખેતીને સોનાની ખેતી કહી હતી. તેઓ પોતાના ૩૫ વર્ષ સુધી ગુરૂકુળ શિક્ષણ કાર્યની સાથે ખેતી કરતા હતા તેનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતુ કે, ગુરૂકુળમા ૩૦૦ ગાય અને ૨૦૦ એકર જમીન છે. જેમાં, ૧૫૦ એકર પર પ્રાકૃતિક ખેતી કરવામાં આવી રહી છે. અહીં ૧૫૦ એકરમા થયેલ ખેતીના પ્રયોગથી મળેલા ફાયદાથી નિર્ણય કર્યો કે, આ પ્રાકૃતિક ખેતીનો પ્રચાર પ્રસાર દેશભરમાં થવો જોઇએ. તેમણે ખેડૂત ભાઇઓ-બહેનો સાથે સંવાદ કર્યો હતો. પ્રાકૃતિક ખેતી કરશો તો ઉત્પાદન ઘટશે એ કૃષિ વૈજ્ઞાનિકોની ચિંતા છે પરંતુ આ ખેતીથી ઉત્પાદન ઘટતુ નથી તે સ્પષ્ટ થયુ છે.
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, ૧૫૦ એકર સિવાયની ૫૦ એકર જમીન અન્ય ખેડૂતોને લીઝ પર આપી હતી અને તેમાં રાસાયણિક ખાતરથી ખેતી કરવામા આવેલ જેની ફળદ્રુપતા સતત ઘટી જતા ખેડૂતો ખેતી છોડીને જતા રહ્યા ત્યાર પછી આ જમીનને ફળદ્રુપ કરવા કૃષિ તજજ્ઞોએ રાસાયણિક ખાતરની જ સલાહ આપી પરંતુ તેઓએ સુભાષ પાલેકર ખેતી અપનાવી તેઓએ એક જ વર્ષમાં આ જમીન ફળદ્રુપ બનાવી અને ત્યાના કૃષિ તજજ્ઞો પણ આ પરિણામથી પ્રભાવિત થયા છે.
પ્રાકૃતિક ખેતીથી પાણીની બચત થાય છે, પર્યારણ, સ્વાસ્થ્ય, ગાયમાતાનુ સંવર્ધન થઇ રહ્યુ છે અને ઉત્પાદનમાં કોઇ પણ ઘટાડો થતો નથી. તેમણે ઉમેર્યુ હતુ કે, ખેડૂતોને સમૃદ્ધ બનાવવાનો એક માત્ર ઉપાય પ્રાકૃતિક ખેતી છે. પ્રાકૃતિક ખેતી વડે ગામના પૈસા ગામમાં રહે છે અને ખેડૂતની આવક બમણી થશે.