પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી અપનાવીને અનિલભાઈએ પ્રતિ હેક્ટર ત્રણથી ચાર ગણું વાવેતર અને ઉત્પાદન મેળવ્યું
માંડલના અનિલભાઈએ મેળવ્યાં પ્રાકૃતિક ખેતીનાં આમ્રફળ-છેલ્લાં સાત વર્ષથી પ્રાકૃતિક ખેતી થકી બાગાયતી અને કૃષિપાકોમાં કાઠું કાઢી રહ્યા છે અનિલભાઈ
બાગાયત વિભાગની સહાય અને માર્ગદર્શન થકી ફળપાક, કૃષિપાક અને હળદર જેવા નવીન પાકો તથા આંતરપાકોમાં સફળતા મેળવી રહ્યા છે અમદાવાદના ખેડૂતો
પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામોનો ઉપયોગ કરી ગુણવત્તાયુક્ત પેદાશોનુ ઉત્પાદન મેળવ્યું તથા બગીચામાં આંબો, મોસંબી, કીન્નો સહિતના પાકો લઈને રાજસ્થાન ઓર્ગેનિક સર્ટિફિકેશન એજન્સી દ્વારા બગીચો સર્ટિફાઇડ કરાવ્યો :- અનિલભાઈ પટેલ
અમદાવાદ જિલ્લાના ખેડૂતોમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધ્યો છે, ફળપાકનું વાવેતર કરતા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં સારા એવા પરીણામો મળ્યા છે. આ ઉપરાંત, શાકભાજી અને મસાલાપાકોમાં પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામોના ઉપયોગ વડે ખેડૂતો ઓછા ખર્ચે સારો એવો નફો મેળવતા થયા છે :- સુરેશ વાળા, નાયબ બાગાયત નિયામક, અમદાવાદ
અમદાવાદ જિલ્લામાં બાગાયત ક્ષેત્રે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. જિલ્લાના ખેડૂતો ફળપાકોમાં અવનવા પ્રયોગો અને પ્રાકૃતિક કૃષિ થકી સારું ઉત્પાદન મેળવી રહ્યા છે.
અમદાવાદના માંડલ તાલુકાના વનપરડી ગામના અનિલભાઈ પટેલ પણ પોતાના ફાર્મમાં બાગાયત અને કૃષિ પાકોમાં પ્રાકૃતિક ખેતી થકી સફળતા મેળવી રહ્યા છે. અનિલભાઈએ સાત વર્ષ પહેલા પ્રાકૃતિક પદ્ધતિથી 1 હેક્ટરમાં 400 આંબાનું વાવેતર કર્યું હતું. આ પ્રાકૃતિક વાવેતરના આમ્રફળ અનિલભાઈ આજે મેળવી રહ્યા છે. આ સીઝનમાં તેમણે અંદાજે 4 ટન જેટલી કેરીનું ઉત્પાદન મેળવ્યું છે. તેઓ બજારમાં ₹1,500 પ્રતિ 10 કિલોના ભાવે આ પ્રાકૃતિક કેરીનું સીધું વેચાણ કરી રહ્યા છે.
આંબાના વાવેતરમાં અનિલભાઈએ ઘનિષ્ઠ ફળપાક વાવેતર પદ્ધતિનો ઉપયોગ કર્યો છે, જેમાં જૂની પદ્ધતિની સરખામણીમાં એક હેક્ટરમાં ત્રણથી ચાર ગણું વાવેતર મેળવી શકાય છે.
એટલું જ નહીં, અન્ય 1 હેક્ટર જમીનમાં અનિલભાઈ કીન્નો, મોસંબી જેવા ફળપાકો અને તુવેર, મગ, ચણા, બાજરી જેવા ખેતી પાકોનું પણ વાવેતર કરે છે. એમાં પણ તેઓ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે તથા જીવામૃત, ઘન જીવામૃત જેવા આયામો જાતે જ બનાવે છે.
ગત વર્ષે પણ અનિલભાઈએ તેમના વિસ્તારમાં નવીન પાક ગણાતી હળદરનું પણ વાવેતર કરીને હળદરના પાવડરનું ગ્રાહકોને સીધું વેચાણ કરીને સારો એવો નફો મેળવ્યો હતો. આ અંગે વાત કરતા અનિલભાઈ જણાવે છે કે, તેઓ ઘણાં વર્ષોથી પ્રાકૃતિક ખેતીથી કૃષિ પાકો અને ફળ પાકોમાં સારું ઉત્પાદન મેળવી રહ્યા છે. તેમનો બગીચો રાજસ્થાન ઓર્ગેનિક સર્ટિફિકેશન એજન્સી દ્વારા સર્ટિફાઇડ થયેલો છે. બાગાયત વિભાગનું માર્ગદર્શન અને સહાય તેમને સતત મળતી રહી છે.
જિલ્લાના ખેડૂતોને મળતી સહાયો અને અનિલભાઈની પ્રાકૃતિક કૃષિમાં સફળતા અંગે વાત કરતા અમદાવાદના નાયબ બાગાયત નિયામક શ્રી સુરેશભાઈ વાળા જણાવે છે કે, અમદાવાદ જિલ્લાના ખેડૂતોમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધ્યો છે. તેમાં પણ ખાસ કરીને ફળપાકનું વાવેતર કરતા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં સારા એવા પરીણામ મળ્યા છે. આ ઉપરાંત, શાકભાજી અને મસાલાપાકોમાં પ્રાકૃતિક ખેતીના વિવિધ આયમોના ઉપયોગ વડે ખેડૂતો ઓછા ખર્ચે સારો એવો નફો મેળવતા થયા છે. બાગાયત ક્ષેત્રે અવનવા પ્રયોગો થકી જિલ્લાના ખેડૂતો સફળતા મેળવી રહ્યા છે.
બાગાયત વિભાગ તરફથી ખેડૂતોને ઘનિષ્ઠ ફળપાકના વાવેતરમાં સહાય, પોસ્ટ હારવેસ્ટ પેકિંગ મટેરીયલ, ટુલ્સ તથા ઇક્વિપમેન્ટ્સ સાધનોમાં પ્લાસ્ટિક કેરેટ્સ અને વજન કાંટામાં સહાય, મસાલા પાકમાં સહાય તેમજ ખેતર પરના સોર્ટિંગ, ગ્રેડિંગ અને પેકિંગ યુનિટમાં સહાય આપવામાં આવે છે. અનિલભાઈએ પણ આ પ્રકારની સહાયો થકી ફળ પાકો અને નવીન પાકોમાં પ્રાકૃતિક કૃષિ અપનાવીને સફળતા મેળવી છે.