પ્રાથમિક સ્કૂલોનું પરિણામ તૈયાર કરવાની માર્ગદર્શિકા જાહેર
અમદાવાદ, ગુજરાતમાં ૧૮ એપ્રિલથી ધોરણ ૩થી૮ની પ્રાથમિક સ્કૂલોની પરીક્ષા શરૂ થવાની છે. આ પરીક્ષાનું પરિણામ તૈયાર કરવાની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
જે મુજબ ધોરણ ૩થી૮માં રચનાત્મક મૂલ્યાંકન, સ્વઅધ્યયન કાર્ય અને દ્વિતિય સત્રાંત કસોટીના ગુણના આધારે પરિણામ તૈયાર કરાશે. ધોરણ ૩-૭ના પરિણામમાં માત્ર ગ્રેડ દર્શાવવામાં આવશે. જ્યારે ધોરણ ૮ના પરિણામમાં ગ્રેડ અને ગુણ બંને દર્શાવવામાં આવશે.
રાજ્યમાં આગામી ૧૮ એપ્રિલથી પ્રાથમિક સ્કૂલોમાં વાર્ષિક પરીક્ષા શરૂ થવાની છે, આ પરીક્ષા બાદ પરિણામની કાર્યવાહીને લઈને GCERT દ્વારા સૂચના બહાર પાડવામાં આવી છે. જેમાં ધોરણ ૧ અને ૨માં વિદ્યાર્થીઓના પરિણામ પત્રકમાં કોઈપણ પ્રકારનો ફેરફાર ન કરાયો હોવાનું જણાવાયું છે.
ધોરણ ૩-૮માં મુખ્યત્વે શિક્ષક દ્વારા રચનાત્મક મૂલ્યાંકન, દ્વિતિય સત્રાંત કસોટી અને સ્વ અધ્યનન કાર્ય આધારિત પરિણામ પત્રક તૈયાર કરવાનું રહેશે. આ માટે હોમ લર્નિંગ અંતર્ગત શિક્ષક દ્વારા અનૌપચારિક મૂલ્યાંક તેમજ વર્ષ દરમિયાન યોજાયેલી સામાયિક કસોટીઓ વગેરેનો આધાર લઈ શકાશે. ધોરણ ૩થી૮માં દરેક વિદ્યાર્થીનું મૂલ્યાંક ૪૦ ૪૦ એમ કુલ ૮૦ ગુણનું રચનાત્મક મૂલ્યાંકન થશે.
આ ઉપરાંત વર્ષ દરમિયાન સ્વ અધ્યયન કાર્ય માટે હોમ લર્નિંગ તેમજ વર્ગખંડમાં વિદ્યાર્થીની સહભાગિતાને ધ્યાને લઈને બંને સત્રના ૨૦ ૨૦ ગુણ પૈકી ગુણાંકન કરવાનું રહેશે. ઉપરાંત ધોરણ ૩-૮માં યોજાનાર દ્વિતિય સત્રાંત કસોટીના ૪૦ ગુણમાંથી મૂલ્યાંકન કરવાનું રહેશે.
ધોરણ ૬થી૮માં ૮૦ ગુણની કસોટી હોઈ તેને ૨ વડે ભાગીને આવેલા ગુણને પત્રકમાં દર્શાવવાના રહેશે. જેથી ધોરણ ૩-૮ના તમામ વિષયોનું મૂલ્યાંકન ૧૬૦ ગુણમાંથી કરવાનું રહેશે. ધોરણ ૪માં હિન્દી અને અંગ્રેજી વિષયમાં માત્ર દ્વિતિય સત્રમાં રચનાત્મક મૂલ્યાંકનના ૪૦ ગુણ અને વિદ્યાર્થીની સહભાગીતાના ૨૦ ગુણ તેમજ દ્વિતિય સત્રાંત કસોટીના ૪૦ ગુણ મળીને કુલ ૧૦૦ ગુણમાંથી ગુણાંકન કરવાનું રહેશે.
વર્ષના અંતે વિદ્યાર્થીઓને આપવામાં આવતા ગુણભાર પણ નક્કી કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. ધોરણ ૩-૭ના પ્રગતિપત્રકમાં ગ્રેડ દર્શાવવાના રહેશે. જ્યારે ધોરણ ૮ના પ્રગતિપત્રકમાં ગુણ અને ગ્રેડ બંને દર્શાવવાના રહેશે.SSS