પ્રિયંકાના પતિ રોબર્ડ વાડ્રાની કારને દિલ્હી પોલીસે દંડ ફટકાર્યો
નવીદિલ્હી: ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રા તેમના સુરક્ષા કર્મચારીઓ સાથે દક્ષિણપૂર્વ દિલ્હીનાં સુખદેવ વિહાર વિસ્તારમાં તેમની ઓફિસ તરફ જઇ રહ્યા હતા ત્યારે ખતરનાક રીતે વાહન ચલાવતા તેમના વાહનનું દિલ્હી પોલીસે ચલણ કાપ્યુ હતું. પોલીસે ગુરુવારે આ માહિતી આપી હતી.
તેમણે કહ્યું કે, દંડ મોટર વાહન અધિનિયમની કલમ ૧૮૪ (જાેખમી રીતે ડ્રાઇવિંગ) હેઠળ લાદવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, વાડ્રાનાં સુરક્ષા કર્મીઓ તેમની પાછળ બીજા વાહનમાં હતા. પોલીસનાં કહેવા મુજબ, જે ગાડીનું ચલણ કપાયુ તે ગાડીને વાડ્રાનો ડ્રાઈવર ચલાવી રહ્યો હતો, જ્યારે તે સુખદેવ વિહાર સ્થિત પોતાના કાર્યાલય જઇ રહ્યા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના બારાપુલા ફ્લાયઓવર નજીક બની જ્યારે વાહન ચાલકે બ્રેક્સ લગાવી અને પાછળથી આવતા વાહને ટક્કર મારી દીધી હતી જેમાં વાડ્રાનાં સુરક્ષા કર્મીઓ હાજર હતા.
વાડ્રા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનાં જમાઈ છે. અને પ્રિયંકા ગાંધીનાં પતિ છે. આ ઘટના અંગે માહિતી આપતાં એડિશનલ પોલીસ કમિશનર સુરેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે, આ ઘટના બાદ રોબર્ટ વાડ્રા પોતાની કારની ચાવી લઈને ઓફિસે ચાલ્યા ગયા હતા. ત્યારબાદ સ્થળ પર હાજર રહેલા ટ્રાફિક અને હઝરત નિઝામુદ્દીન પોલીસ સ્ટેશને તેમની કારનું ચલણ કાપ્યુ હતું.
અગાઉ રોબર્ટ વાડ્રાએ સરકાર પર નિશાન સાધતા, વેક્સિન નીતિ પર સવાલો ઉભા કર્યા હતા. વેક્સિન નીતિ અંગે સવાલ ઉઠાવતા તેમણે પૂછ્યું કે, વેક્સિન ખાનગી હોસ્પિટલોને કેમ આપવામાં આવી રહી છે. રોબર્ટ વાડ્રાએ કહ્યું કે, લોકોને એ પણ ખબર નથી હોતી કે કેન્દ્ર સરકાર દ્વારા કઈ વેક્સિન મફત આપવામાં આવે છે. કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવતા રોબર્ટ વાડ્રાએ પૂછ્યું કે, જ્યારે તમે એમ કહી રહ્યા છો કે, વેક્સિન મફતમાં મળે છે, ત્યારે તમે ૨૫% ખાનગી હોસ્પિટલોને અમુક રકમ વસૂલવાની મંજૂરી કેમ આપી રહ્યા છો? તેમણે કહ્યું કે, લોકો રફુચક્કર થઈ રહ્યા છે અને વેક્સિન વિશે લોકો સુધી સાચી માહિતી પહોંચી રહી નથી.