પ્રિયંકા ગાંધીએ પ્રયાગરાજનાં સુજીત નિષાદને નાવ ભેટમાં આપી
અલ્હાબાદ, પ્રયાગરાજના સુજીત નિષાદ ગંગા નદીમાં નાવ ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં, મૌની અમાવસ્યાના દિવસે, હંમેશની જેમ સુજીત મુસાફરોની રાહ જોતો હતો જોકે તેને એવી સવારી મળી જેણે તેને નવી બોટ બનાવી આપી. અત્યાર સુધી સુજીત નાવ ભાડે રાખીને ચલાવતો હતો પરંતુ હવે તેની પાસે પોતાની નાવ છે.
11 ફેબ્રુઆરીએ એટલે કે મૌની અમાવસ્યાના દિવસે સંગમ તટ પર જે મુસાફરે તેનુ નસીબ બદલ્યુ તે કોંગ્રેસ મહાસચિવ અને ઉત્તર પ્રદેશ પ્રભારી પ્રિયંકા ગાંધી છે. પ્રિયંકા ગાંધીના નજીકના સૂત્રએ જણાવ્યુ કે મૌની અમાવસ્યા સ્નાન માટે પ્રયાગરાજ પહોંચેલા પ્રિયંકા ગાંધીએ નાવ ચલાવી હતી. વાતચીત દરમિયાન સુજીતે જણાવ્યુ કે તેઓ ભાડાની નાવ ચલાવે છે. પ્રિયંકા ગાંધીએ તેમને નવી નાવ અપાવવાનુ વચન આપ્યુ. ફેબ્રુઆરીનુ વચન થોડા દિવસ પહેલા જ પૂરુ થયુ.
પ્રિયંકા ગાંધીની ટીમ સાથે સંકળાયેલા એક સૂત્રએ જણાવ્યું કે બોટ બનાવવામાં ઘણો સમય લાગે છે. તેથી જ વિલંબ થયો. આના પર લગભગ 1 લાખ રૂપિયાનો ખર્ચ થયો. પ્રિયંકા ગાંધી આ મામલે પોતાની ટીમને પૂછપરછ કરતા રહ્યા. જોકે, આ પહેલીવાર નથી જ્યારે પ્રિયંકા ગાંધીએ ચૂપચાપ કોઈ જરૂરિયાતમંદોને મદદ કરી હોય પણ જ્યારે સુજીતે તેની નવી હોડી પર “પ્રિયંકા ગાંધી જી અને વાડ્રા જી દ્વારા સપ્રેમ ભેટ” લખ્યા બાદ ચલાવવાનુ શરૂ કર્યુ ત્યારે આ જાહેર થયુ.
મળતી માહિતી મુજબ, પ્રિયંકા ગાંધીએ પણ સુજીત નિષાદ સાથે બે-ત્રણ વખત ફોન પર વાત કરી છે અને તેમની ટીમ સુજીતના બાળકોના સારા શિક્ષણ માટે પ્રયાસ કરી રહી છે. સુજીત નિષાદે ખુશી વ્યક્ત કરી અને કહ્યું, પ્રિયંકા ગાંધી અમારી બોટમાં બેસ્યા અને અમારા દિવસો બદલાઈ ગયા છે. તેમની કમાણીમાં વધારો થઈ રહ્યો છે અને પોતાની નાવ હોવાની ખુશીની તો કોઈ કિંમત જ નથી. તેઓ રાહ જોઈ રહ્યા છે પ્રિયંકા ગાંધી જ્યારે હવે પ્રયાગરાજ આવે ત્યારે તેમને ભેટ આપેલી નાવમાં બેસે. સુજીત દરેક મુસાફરને કહેતા રહે છે કે આ નાવ પ્રિયંકા ગાંધીએ અપાવી છે.