પ્રેગ્નન્ટ છે કરીના કપૂર, સૈફ અલી ખાને ખુશી વ્યક્ત કરી
કરીના કપૂર આમિર ખાનની બહુચર્ચિત ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળશે, બંનેએે ફિલ્મ માટે શૂટિંગ શરૂ કર્યું
મુંબઈ, સૈફ અલી ખાન અને કરીના કપૂરે તમામ અટકળોનો અંત લાવતા જાહેર કર્યું છે કે તેમને ત્યાં બીજુ બાળક આવવાનું છે. સૈફ અને કરીનાએ એક સંયુક્ત નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે અમને તે જાહેર કરતા ખુશી થઈ રહી છે કે અમારા પરિવારમાં નવા સભ્યનું આગમન થવાનું છે. તમારા પ્રેમ અને સપોર્ટ માટે તમારો ખૂબ ખૂબ આભાર. કરીનાના પિતા રણધીર કપૂર સાથે વાતચીત કરી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે જો આ સામાચાર સાચા હશે તો હું ઘણો ખુશ થઈશ. બે બાળકો તો હોવા જ જોઈએ. જેથી એકબીજાને કંપની મળી રહે. જ્યારથી કોરોના વાયરસના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનને હળવું કરવામાં આવ્યું હતું ત્યારથી જ કરીના કપૂર પાપારાઝીની નજરમાં હતી.
કરીના જ્યારે પોતાના પુત્ર તૈમુર સાથે પોતાની બહેનના ઘરે ગઈ હતી ત્યારે પાપારાઝીઓએ તેના ફોટા પાડ્યા હતા. બોલીવૂડના બે સુપર સ્ટાર સૈફ અલી ખાન અને કરીના કપૂરે ૨૦૧૨મા લગ્ન કર્યા હતા. લગ્નના ચાર વર્ષ બાદ ડિસેમ્બર ૨૦૧૬મા તેમના ત્યાં પ્રથમ પારણુ બંધાયુ હતું અને તેમના ત્યાં તૈમુરનું આગમન થયું હતું. સાડા ત્રણ વર્ષનો તૈમુર અત્યારથી જ પાપારાઝીઓનો પ્રિય છે અને અવારનવાર મીડિયામાં તેની તસવીરો આવતી રહે છે. કરીના કપૂર આમિર ખાનની બહુચર્ચિત ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળશે. બંને જણાએ ફિલ્મ માટે શૂટિંગ શરૂ કર્યું હતું પરંતુ કોરોનાના કારણે તેનું શૂટિંગ અટકી પડ્યું હતું. લાલ સિંહ ચઢ્ઢા હોલીવૂડની લોકપ્રિય ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની રિમેક છે. આ ફિલ્મ પહેલા ૨૦૨૦ ક્રિસમસના દિવસે રિલીઝ થવાની હતી પરંતુ હવે આ ફિલ્મને ૨૦૨૧ની ક્રિસમસમાં રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.SSS