માતાએ જ દીકરી, જમાઈ અને સસરાને છરીના ઘા માર્યા

Files Photo
અમદાવાદ, શહેરના કૃષ્ણનગર વિસ્તારના પોલીસ સ્ટેશનમાં એક ૨૨ વર્ષીય યુવતીએ પોતાની જ માતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હોવાની જાણકારી સામે આવી છે. નોંધનીય છે કે કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી ૨૨ વર્ષીય યુવતીએ પ્રેમલગ્ન કર્યા હોવાને કારણે તેનો પરિવાર તેનાથી નારાજ હતો. એક દિવસ તેની માતાએ ફોન કરીને તેના પતિ અને સસરાને ઘરે આમંત્રિત કર્યા હતા.
યુવતી જ્યારે પોતાના પતિ અને સસરાને લઈને પિયર ગઈ ત્યારે માતા અને એક યુવકે બન્ને પર છરી વડે હુમલો કર્યો અને તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ બાબતે યુવતીએ પોતાની જ માતા અને હુમલો કરનાર યુવક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.
ઘટનાની વિગતવાર વાત કરીએ તો ઠક્કરનગરમાં રહેતી ૨૨ વર્ષીય યુવતી થોડા સમય પહેલા Social Media પ્લેટફોર્મ Snapchat ના માધ્યમથી એક યુવકના સંપર્કમાં આવી હતી.થોડી વાતચીત પછી તેમની વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. યુવતી અને યુવકની મુલાકાતો શરુ થઈ ગઈ અને તેમણે એકબીજા સાથે લગ્ન કરવાનો ર્નિણય લીધો. પ્રાપ્ત જાણકારી અનુસાર યુવતીના પરિવારે તેના લગ્ન અમરાઈવાડીમાં રહેતા એક યુવક સાથે નક્કી કર્યા હતા અને સગાઈની તારીખ પણ નક્કી કરી લેવામાં આવી હતી.
સગાઈની વાત આવતા યુવતીએ વિરોધ દર્શાવ્યો હતો અને પોતાના પ્રેમી સાથે જ લગ્ન કરવાની હઠ કરી હતી. યુવતીએ જ્યારે જાેયું કે તેના પરિવારના લોકો કોઈ પણ ભોગે પ્રેમી સાથે લગ્ન કરાવવા રાજી થાય તેમ લાગતા નથી તો તેણે પ્રેમી સાથે કોર્ટમાં જઈને લગ્ન કરી લીધા હતા.
યુવતીના પરિવારજનોને જ્યારે આ વાતની જાણકારી મળી તો તેમણે પોતાની દીકરીને ફોન કરીને કહ્યું કે, તમારા લગ્ન સામે અમને કોઈ વાંધો નથી, તુ તારા પતિને લઈને ઘરે આવ, આપણે સમાધાન કરી લઈએ.
પિયરથી આ પ્રકારનો ફોન આવતા યુવતી પતિ અને સસરાને લઈને ત્યાં પહોંચી. યુવતીના માતા અને જેની સાથે સગાઈ કરવાની હતી તે યુવકે એકાએક જ લડાઈ શરુ કરી તેના પતિ અને સસરા પર હુમલો કર્યો અને છરીના ઘા માર્યા.
આ ઘટનામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. ઘટના પછી યુવતીના માતા અને સગાઈ કરવાની હતી તે યુવક બન્ને ફરાર થઈ ગયા હતા. યુવતીએ ફરિયાદ નોંધતા કૃષ્ણનગર પોલીસ દ્વારા ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.SSS