પ્રેમિકાની હત્યા કરીને ઘરમાં દાટી ચબૂતરો બનાવી દીધો
ભોપાલ, મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલના એક માથાફરેલા સીરિયલ કિલરને અંતે કાયદાએ સજા આપી દીધી છે. સનકી હત્યારા ઉદયન દાસના કૃત્ય સાંભળીને જ લોકો ડરી જતા હતા. હવે પશ્ચિમ બંગાળની એક કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી છે. ઉદયન દાસે પ્રેમિકાની હત્યા કરી લાશને ઘરમાં જ દફનાવી દીધી હતી અને તેની પર એક ચબૂતરો બનાવી દીધો હતો જેથી તેની પર કોઈ શક ન કરે. આટલું જ નહીં પોતાના માતા-પિતાની હત્યા કરી જૂના ઘરના બગીચામાં બંનેની લાશ દફનાવી દીધી હતી. આ હત્યાકાંડને તેણે છત્તીસગઢમાં અંજામ આપ્યો હતો. ઉદયન દાસનો મામલો મધ્ય પ્રદેશમાં બહુચર્ચિત રહ્યો હતો. આ મામલાના છેડા જ્યારે છત્તીસગઠ સાથે જોડાયા તો ચારેકોર તેની ચર્ચા થવા લાગી. ઉદયને જુલાઈ ૨૦૧૬માં પોતાની પ્રેમિકા આકાંક્ષા શર્માની ભોપાલના સાકેત નગર સ્થિત ઘરમાં હત્યા કરી દીધી હતી. હત્યા બાદ તેણે લાશને એક બોક્સમાં મૂકીને બેડરૂમની અંદર દાટી દીધી હતી અને તેની પર ક્રોંક્રિટનો ચબૂતરો બનાવી દીધો હતો.
ઉદયન દાસે પોતાના માતા-પિતાની ૨૦૧૦માં રાયપુરમાં ઘરમાં જ હત્યા કરી લાશોને બગીચામાં દાટી દીધી હતી. હત્યાની આ બંને ઘટનાઓ ક્રમશઃ ભોપાલ અને રાયપુરમાં ઘટી હતી. પરંતુ તેની વિરુદ્ધ એફઆઈઆર પશ્ચિમ બંગાળમાં નોંધવામાં આવી હતી. આ જ કારણ છે કે સમગ્ર મામલાની સુનાવણી બંગાળમાં થઈ. લાંબી કોર્ટ કાર્યવાહી બાદ બંગાળના બાંકુડાની ફાસ્ટ ટ્રેક કોર્ટે ઉદયન દાસને આજીવન કેદની સજા ફટકારી છે. વર્ષ ૨૦૦૭માં સોશિયલ મીડિયાના માધ્યમથી ઉદયન દાસ આકાંક્ષા શર્માના સંપર્કમાં આવ્યો હતો. ઉદયને આકાંક્ષાને ખોટું બોલ્યો કે તે અમેરિકામાં કામ કરે છે. ઉદયનની વાતોમાં આવીને આકાંક્ષાએ બંગાળના બાંકુડાના ઘરને જૂન ૨૦૧૬માં છોડી દીધું હતું.SSS