પ્રેમિકાને મળવા સ્વિટ્ઝર્લેન્ડ જતો પ્રેમી પાક.માં ફસાયો
વિશાખાપટ્ટનમ: સ્વિટ્ઝર્લેન્ડમાં રહેતી છોકરી સાથે થયેલી ઓનલાઈન મુલાકાત બાદ તેના પ્રેમમાં પડેલા આશિકને તેને મળવા જવાનું ભારે પડ્યું છે. હૈદરાબાદમાં રહેતો આઈટી એન્જિનિયર વૈન્દમ પ્રશાંત સ્વિટ્ઝર્લેન્ડ જવા માટે એર ટિકિટના પૈસા ના હોવાથી પગપાળા ત્યાં જવા નીકળ્યો હતો. તેણે ઈન્ટરનેટ પર જાેયું હતું કે વાયા પાકિસ્તાન થઈને ચાલતા ૬૦ દિવસમાં સ્વિટ્ઝર્લેન્ડ પહોંચી શકાય છે.
જાેકે, એક તરફી પ્રેમમાં પાગલ બનેલા આ આશિકની આ સફર લાંબી નહોતી ચાલી. તે પાસપોર્ટ કે વિઝા વિના જ પોતાની માની લીધેલી પ્રેમિકાને મળવા માટે નીકળી પડ્યો હતો, અને પાકિસ્તાનમાં ગેરકાયદે રીતે ઘૂસી ગયો હતો. પાકિસ્તાની રેન્જર્સે તેને ભારતીય જાસૂસ માની તેને પકડીને જેલમાં ધકેલી દીધો હતો. જ્યાં ચાર વર્ષ કેદમાં રહ્યા બાદ આખરે છેક હવે તેને મુક્ત કરાયો હતો.
ચાર વર્ષના જેલવાસ બાદ પાકિસ્તાને સોમવારે અટારી બોર્ડર પર તેની કસ્ટડી ભારતને સોંપી હતી. જ્યાંથી પ્રશાંતને હૈદરાબાદ મોકલવામાં આવ્યો હતો. હવે તે આવતા સપ્તાહે પોતાના વિશાખાપટ્ટનમ સ્થિત ઘરે પહોંચશે.
એપ્રિલ ૨૦૧૭માં પાકિસ્તાનના પંજાબ પ્રાંતના બહવાલપુરમાંથી પ્રશાંતની ધરપકડ કરાઈ હતી. તે પાકિસ્તાનમાં ઘૂસીને ચાલતો સ્વિટ્ઝર્લેન્ડ જવાનો હતો. ૨૦૧૭ના અરસામાં જ સોશિયલ મીડિયા પર તેની મુલાકાત સ્વિટ્ઝર્લેન્ડની સ્વપ્નિકા પાંડે નામની યુવતી સાથે થઈ હતી.
જેના પ્રેમમાં પાગલ બનેલો પ્રશાંત તેની સાથે લગ્ન કરવાના હેતુથી પગપાળા સ્વિટ્ઝર્લેન્ડ જવા નીકળ્યો હતો. યુવતી મૂળ ભારતની જ છે, અને પ્રશાંતે એમપીમાં રહેતા તેના માતાપિતાની મુલાકાત કરીને તેમની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો જેને તેમણે ઠુકરાવી દીધો હતો.