પ્રેમિકા લગ્ન માટે દબાણ કરતી હોવાથી પ્રેમીએ બાંધીને તળાવમાં ફેંકી દીધાની કબૂલાત

પ્રતિકાત્મક
ભીલાડમાં યુવતીની હત્યા મામલે પ્રેમી સહિત બે શખ્સની ધરપકડ -લગ્ન માટે દબાણ કરતી હોવાથી યુવતીને દુપટ્ટા વડે થાંભલા સાથે બાંધીને તળાવમાં ફેંકી દીધાની કબૂલાત
સેલવાસ, વલસાડના ભીલાડના તળાવમાં થોડા દિવસ અગાઉ એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહને દુપટ્ટા વડે થાંભલા સાથે બાંધી અને તળાવમાં ફેંકી દેવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું.
સ્થાનિક લોકોએ તળાવમાં મૃતદેહ જોતા પોલીસને જાણ કરી હતી. બનાવની જાણતા થતાં ભીલાડ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને આ મામલે તપાસ હાથ ધરી હતી. જો કે, મૃતકના શરીર પર ઈજાના નિશાન અને થાંભલા સાથે બાંધેલી હોવાથી તેની હત્યા નીપજાવવામાં આવી હોવાનું માની પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી.
પોલીસની આ તપાસમાં મૃતક યુવતીના મળેલા કપડાં અને તેને પહેરેલા ઘરેણાં બાદ તેણી ઓળખમાં સફળતા મળી હતી. પોલીસની તપાસમાં બહાર આવ્યું કે, મૃતક યુવતી મંજુલા વારલી વાપી નજીક આવેલા મોટી તંબાડી ગામની રહેવાસી હતી જે ઘરેથી ગુમ હતી અને ભીલાડના તળાવમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. આથી પોલીસે મૃતકની હત્યા મામલે ઉંડાણપૂર્વક તપાસ કરતાં ભીલાડના પલાડપાડાના અજય પટેલ અને ઉત્તમ વારલી નામના બે યુવકોની અટકાયત કરી તેમને પૂછપરછ કરી હતી.
પોલીસની આગવી ઢબે પૂછપરછમાં આરોપીઓએ પોતે કરેલો ગુનો કબૂલ કર્યો હતો અને અજય પટેલ અને ઉત્તમ વારલીએ જ મૃતક મંજુલાની હત્યા નીપજાવી તેની લાશને સગે વગે કરવા થાંભલા સાથે બાંધી અને તળાવમાં ફેંકી દીધી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે, મૃતક મંજુલા વારલી અને અજય પટેલ બન્ને એકબીજાથી પરિચિત હતા.
મૃતક સેલવાસની એક શાળામાં સફાઈ કર્મી તરીકે કામ કરતી હતી. અજય અને મંજુલા વચ્ચે મિત્રતા થઈ અને ત્યારબાદ પ્રેમમાં પરિણમી હતી. જો કે, છેલ્લા કેટલાક સમયથી મંજુલા અજયને લગ્ન કરવા માટે દબાણ કરતી હતી.