પ્રેમીએ પ્રેમિકાનું અપહરણ કરી ગાડીમાં માર મારીને ધમકી આપી
વિદ્યાર્થિનીએ તેના પ્રેમી સામે પોલીસ ફરિયાદ નોંધાવી
પ્રેમીએ પ્રેમિકાના કારમાં બેસી જા નહિં તો તારા ફોટો-વીડિયો વાયરલ કર દઈશ તેવી ધમકી પણ આપી હતી
અમદાવાદ,
વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી એક કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ તેના પ્રેમી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ યુવતી બસસ્ટેન્ડ પર ઊભી હતી ત્યારે તેનો પ્રેમી કારમાં આવ્યો હતો. બાદમાં પ્રેમી અપહરણ કરીને પ્રેમિકાને એક ગાર્ડન પાસે લઇ ગયો હતો. જ્યાં સંબંધ ન રાખતી હોવા બાબતે બોલાચાલી કરીને ઢોર માર માર્યાે હતો. આરોપીએ ચાકુ બતાવીને ધમકી આપતા યુવતી ત્યાંથી ભાગી હતી અને પોલીસ બોલાવી હતી. આ મામલે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ચાંદલોડિયામાં રહેતી ૨૦ વર્ષીય યુવતી વસ્ત્રાપુરમાં આવેલી એક કોલેજમાં અભ્યાસ કરે છે. ગત મંગળવારે તે કોલેજ આવી હતી અને લેક્ચર ભર્યા બાદ ઘરે જવા નીકળી હતી. યુવતી ડ્રાઇવ ઇન સિનેમા પાસેના બસસ્ટેન્ડ પર ઊભી હતી. ત્યારે તેનો પ્રેમી જીજ્ઞેશ લવાર કાર લઇને આવ્યો હતો. યુવતી એક અઠવાડિયાથી જીજ્ઞેશનો ફોન ઉપાડતી ન હોવાથી તે રોષે ભરાયો હતો અને બાદમાં તેણે યુવતીને કારમાં બેસી જા નહિ તો તારા ફોટો-વીડિયો વાયરલ કરી દઇશ તેવી ધમકી આપી હતી.
જીજ્ઞેશ તેની પ્રેમિકાને મેમનગર ગાર્ડન પાસે લઇ ગયો હતો. જ્યાં ગાડીમાં બેસીને તું મારી સાથે સંબંધ કેમ નથી રાખતી તેમ કહીને ગાળાગાળી કરીને ઢોર માર માર્યાે હતો. અચાનક ચાકુ બતાવીને આજે તો તને જીવતી નહીં જવા દઉં તેવી ધમકી આપતા યુવતી ગભરાઇને ગાડીમાંથી બહાર નીકળીને ભાગી હતી. બાદમાં તેણે પિતાને અને પોલીસને જાણ કરતા વસ્ત્રાપુર પોલીસે આ મામલે જીજ્ઞેશ લવાર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.ss1