પ્રેમીએ પ્રેમિકાનું ગળું દબાવીને હત્યા કર્યાં બાદ પોતે આપઘાત કરી લીધો

વલસાડમાં પ્રેમ કહાનીનો કરુણ અંત
ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા સ્મિતે આવેશમાં આવીને પાયલનું ગળું દબાવી હત્યા કરી નાખી
વલસાડ,વલસાડ જિલ્લામાં એક ચકચારી બનાવ સામે આવ્યો છે. અહીં રોનવેલ ગામ ખાતે એક પ્રેમીએ તેની પ્રેમિકાની હત્યા કરી નાખી હતી. જે બાદમાં તેણે પણ તળાવમાં કૂદીને આપઘાત કરી લીધો હતો. આ મામલે પોલીસે હાલ તપાસ હાથ ધરી છે. હત્યા અને આત્મહત્યાના બનાવથી પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આવ્યો છે.
હાલ આ મુદ્દો જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. મૃતક યુવક અને યુવતીનો સંપર્ક સોશિયલ મીડિયા થકી થયાનો કહેવામાં આવી રહ્યું છે. આ મામલે પોલીસ હાલ વધારે તપાસ કરી રહી છે. આ હત્યાકાંડ અને આપઘાતનો બનાવ પ્રેમી યુગલ વચ્ચે સામાન્ય ઝઘડા બાદ બન્યો હતો. જાેકે, બંને વચ્ચે કઈ વાતને લઈને ઝઘડો થયો હતો તે જાણી શકાયું નથી.
મળતી માહિતી પ્રમાણે રોનવેલ ગામની પાયલ પટેલ નામની યુવતીને નાની સરોણ ગામના સ્મિત પટેલ વચ્ચે પ્રેમ સંબંધ હતો. ગત ૨૨મી મેના રોજ પાયલ પોતાના ઘરે એકલી જ હતી ત્યારે પ્રેમી સ્મિત પટેલ તેના ઘરે આવી પહોંચ્યો હતો. મળતી માહિતી પ્રમાણે પાયલના માતાપિતા બહારગામ ગયા હતા. આ દરમિયાન સ્મિત અને પાયલ વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા સ્મિતે આવેશમાં આવીને પાયલનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. જે બાદમાં તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
પાયલના માતાપિતા બહાર ગયા હોવાથી તેના કાકા અને કાકી તેના ઘરે આવ્યા હતા. આ દરમિયાન તેમણે પાયલને ઘરમાં પલંગમાં મૃત અવસ્થામાં પડેલી જાેઈ હતી. જે બાદમાં ગ્રામજનો અને પાયલના માતાપિતાને જાણ કરવામાં આવી હતી. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી છે. શરૂઆતથી જ આ કેસમાં શંકાની સોય પાયલના પ્રેમી સ્મિત તરફ તાંકવામાં આવી હતી.
પરિવારની શંકાને આઘારે પોલીસે નાની સરોણ ગામ ખાતે રહેતા સ્મિત પટેલના ઘરે તપાસ શરૂ કરી હતી. જાેકે, આશ્ચર્યની વચ્ચે સ્મિત મળી આવ્યો ન હતો. આ દરમિયાન તપાસ કરતા સ્મિતનું બાઇક ગામના તળાવ પાસેથી મળી આવ્યું હતું. જે બાદમાં પોલીસને સ્મિત પટેલે આપઘાત કર્યો હોવાનું લાગતા તરવૈયાઓની મદદ લઈને મૃતદેહની શોધખોળ શરૂ કરી હતી.
આ દરમિયાન ૨૩મી તારીખે સવારે તળાવમાંથી સ્મિતનો મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસમાં પોલીસે પાયલ પટેલની હત્યા બદલ તેના મૃત પ્રેમી સ્મિત પટેલ વિરુદ્ધ હત્યા અને એટ્રોસિટીની ગુનો દાખલ કર્યો છે.SSS