પ્રેમીએ પ્રેમિકાને પામવા માટે તેના પતિને જ પતાવી દીધો
રાજકોટ, રાજકોટના કોઠારિયા સોલવન્ટ નજીક આવેલા રેલવેના ટ્રેક ઉપરથી ગત તારીખ ૨૮-૧૦-૨૦૨૧ના રોજ એક યુવકની લાશ મળી આવી હતી. આ યુવાનની લાશ પર ઇજાના નિશાન હતા. જેને લઈને પોલીસે શંકાના આધારે હત્યા, અકસ્માત અને આપઘાત જેવી અલગ અલગ દિશામાં તપાસ શરું કરી હતી.
હવે આ ઘટનામાં મોટો ઘટસ્પોટ થયો છે કે યુવાનની હત્યા કરાવામાં આવી હતી અને તેની પાછળ બીજુ કોઈની પરંતુ મૃતકની પત્નીનો પ્રેમી જ હતો જેણે રુ. ૪ લાખની સોપારી આપી હત્યા કરાવી નાખી હતી. પોલીસે પ્રેમી સહિત ૫ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મનોજના પરિવારજનો અવારનવાર ઘટનાસ્થળે જતા હતા. દરમિયાન ૧૩ નવેમ્બરના રોજ તેઓ ઘટનાસ્થળે ઊભા હોય એક અજાણી વ્યક્તિએ પાસે આવી ‘કેમ અહીં ઊભા છો’ તેવી પૂછપરછ કરી હતી. બાદમાં આ વ્યક્તિએ જણાવ્યું હતું કે, આ જગ્યાએ થોડા દિવસ અગાઉ મૃતદેહ મળ્યો હતો તે ભાઇ અને બીજાે એક અજાણ્યો શખસ બન્ને રાત્રિના સમયે ઝઘડો કરતા હતા.
તેમાંથી એક શખસ બીજાને મોટા પથ્થર વડે બેથી ત્રણ ઘા મોઢા ઉપર મારતો હતો તેવુ મેં થોડે દૂરથી જાેયું હતું. મારવાવાળો શખસ પાતળા બાંધાનો અને લગભગ ૫ ફૂટની હાઇટ વાળો અને આશરે ૨૫ વર્ષની ઉંમરનો હતો.
પરિવારજનોએ પોલીસને સમગ્ર હકીકત જણાવતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસમાં ઝડપ વધારતાં મૃતક યુવાન સાથે બનાવની રાત્રે રહેલા વ્યક્તિ રાજેશ પરમારની ઓળખ કરી હતી. ચોક્કસ બાતમીના આધારે પોલીસે રાજેશ પરમારની અટકાયત કરી હતી. પોલીસે પૂછપરછ કરતા હત્યા નીપજાવી હોવાની કબૂલાત આપી હતી.
આરોપીની આકરી ઢબે પૂછપરછ કરતા રાજેશે તેમના ગામના પોતાના મિત્ર કિશન જેઠવા, મિત્ર મેહુલ પારઘી અને રાજકોટના પરેશ પટેલ સાથે મળીને હત્યા કરી હોવાના વટાણા વેરી દીધા હતાં.
આ ઘટનામાં મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે પોલીસને તપાસ દરમિયાન ખબર પડી કે આરોપી પરેશ તો મૃતક મોનજની પત્ની ફાલ્ગુની સાથે પ્રેમ સંબંધ ધરાવે છે.
આ મામલે વધુ તપાસ કરતાં સીલસીલાબંધ વિગતો સામે આવી હતી. જેમાં ૨૦૧૪માં કોન્ટ્રાક્ટર પરેશ પટેલ મરનાર મનોજના ઘરની સામે મકાન બનાવતો હોય તેની પત્ની ફાલ્ગુની સાથે પરીચય થતા બન્ને વચ્ચે પ્રેમ સંબંધ પાંગર્યો હતો.
કાઈ કામ ધંધો નહીં કરતા અને દારૂ પીવાની ટેવ વાળો મનોજ અવાર-નવાર ઘરમા ઝઘડા કરતો હોય ફાલ્ગુનીએ પોતાના દુખડા પ્રેમી પરેશને જણાવ્યા હતા. અને પ્રેમીના કહેવાથી જ ફાલ્ગુનીએ પતી સાથે છુટા છેડા લઈને પ્રેમી સાથે મૈત્રી કરાર કરી લીધા હતા. બાદમાં મનોજ અને તેની પત્ની ફાલ્ગુની વચ્ચે સમાધાન થઈ જતા ફરી બન્ને સાથે રહેવા લાગ્યા હતા.
પરંતુ ફાલ્ગુનીએ પ્રેમી સાથેના સંબંધો ચાલુ રાખ્યા હતા. જેના કારણે અવાર નવાર ઝઘડા થતા હતા અને મનોજ દારૂ પીને મારકુટ પણ કરી લેતો હતો.
પતિના ત્રાસથી કંટાળીને ફાલ્ગુની ફરી એકવાર પરેશને મળી હતી અને કાયમી રીતે મગજમારીમાંથી છૂટકારો અપાવવા માટે કહ્યું હતું. જે બાદ પરેશ પારડી ગામે માતાજીના ભુવા મેહુલ પારઘીને મળવા ગયો હતો. જ્યાં તેઓએ એક ભાઇ સાથે મિત્રતા કરાવી અને તેને દવા (પદાર્થ) ભેળવી અથવા ગમે તે રીતે તેનું મૃત્યુ થાય તેવું કરી આપવા જણાવ્યું હતું.
આથી મેહુલે તે કામ કરી આપશે તેમ જણાવ્યું હતું. આ બાબતે મેહુલે પોતાની સાથેના પોતાના મિત્ર કિશન જેઠવાને વાત કરી હતી. એક મહિના પહેલા પારડી ગામે શિવલહેરી હોટલમાં પરેશ અને વિમલ ગયા હતા. અહીં ફરી મેહુલ પારઘીને મળ્યા હતા અને આ સમયે ફરી એક વ્યકિતનું દવા (પદાર્થ) ભેળવી અથવા કોઇ પણ રીતે તેનુ મોત થાય તેવું કામ કરી આપવા જણાવતા મેહુલે તે કામ કરવાની હા પાડી હતા.
આ કામ કરવાના મેહુલને રૂ.૧૦,૦૦,૦૦૦ કહ્યા હતા. આ કામ કરવા માટે મેહુલે તેના મિત્ર કિશન જેઠવાને વાત કરી હતી અને કોઇ શખસને આ કામ કરવા તૈયાર કરવા જણાવતા કિશન જેઠવાએ પારડી ગામના રાજેશ પરમારને કામ કરવા અને તેમાં પૈસા મળશે તેમ જણાવતા રાજેશ પરમાર કામ કરવા માટે તૈયાર થયો હતો.
બાદમાં બધા વચ્ચે બેઠક થઈ હતી. બાદમાં ત્રણ-ચાર દિવસ બાદ ફરી પરેશ પટેલ મેહુલને મળવા માટે પારડી ગામ નવા બનતા મેલડી માતાજીના મંદિરે ગયો હતો. અહીં પરેશે મેહુલ અને કિશન હાજર હોય તેઓને ફરી કામની વાત કરી હતી અને ૧૦ લાખ રૂપિયાના બદલે તે ૪,૦૦,૦૦૦ આપી શકે તેમ હોવાનું જણાવતા મેહુલ અને કિશને કામ કરવાની હા પાડી હતી.
૨૬ ઓક્ટોબરના રોજ મેહુલને પરેશનો ફોન આવતા મેહુલ અને કિશન પરેશને મળવા માટે સાંજના સમયે કોઠારિયા સોલવન્ટ ફાટક પાસે વિમલની ચાની હોટલે ગયો હતો. અહીં નજીકમા આવેલા શેડમાં ચારેય ગયા હતા અને કામના પૈસાની વાતચીત થતા કામ ચાલુ થાય એટલે રૂ. ૨,૦૦,૦૦૦ તથા કામ પુરૂ થાય એટલે ૨,૦૦,૦૦૦ આપવાનુ નક્કી કરવામાં આવ્યું હતું. આથી પરેશએ પહેલા રૂ. ૧૦,૦૦૦ આપ્યા હતા.
૨૭ ઓક્ટોબરના રોજ સાંજે કિશન જેઠવા, મેહુલ પારઘી અને રાજેશ હત્યા કરવા નીકળ્યા હતા. કોઠારિયા સોલવન્ટ ફાટક આગળ સિગ્નલ પાસે ટ્રેનના પાટાની નજીક બેઠેલા મનોજ પાસે રાજેશ જઈને બેસી ગયો હતો.
મનોજ સાથે વાતચીત કરી બાદમાં તેને પછાડી દઇ નજીકમાં પડેલા મોટા પથ્થરના ઘા મોઢાના ભાગે મારી દીધા હતા અને પછી રાજેશ ત્યાંથી જતો રહ્યો હતો. મનોજની હત્યા પોતે જ કરી હોવાની કબૂલાત રાજેશે પોલીસને આપી હતી. આ કામમાં રાજેશે કિશન તથા મેહુલને અગાઉ ૫૦૦૦, કામ પૂરું થયે ૧૦,૦૦૦ અને ત્યારબાદ રૂ. ૭૦,૦૦૦ આપ્યાની કબૂલાત આપી હતી.SSS