પ્રેમીનો વહેમ રાખીને પતિએ જાહેરમાં પત્નીને સળગાવી

પ્રતિકાત્મક
ઉમરગામ, ઉમરગામમાં પ્રેમ લગ્ન કરનાર પતિએ પત્ની પર શંકા રાખી પેટ્રોલ છાંટીને સળગાવી દેવાનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. ધોળે દિવસે જાહેર રસ્તા પર પતિએ પત્નીને મારી નાંખવાનો પ્રયાસ કર્યો હતો અને પતિ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. જાેકે લોકોએ આગ બુઝાવી ઘાયલ પત્નીને હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડી હતી.
સુરત પાસેના ઉમરગામના ટાઉન સ્થિત ભાઠા ફળિયામાં માછી મંદિરમાં રહેતી કામિનીના લગ્ન જિજ્ઞેશ રમેશભાઈ રાજપૂત સાથે થયા હતા. બંનેએ ૧૨ વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંને સુખી સંપન્ન રીતે રહેતા હતા.
આ દરમિયાન તેમને બે સંતાનો પણ થયા હતા. પરંતુ થોડા દિવસો પહેલા પતિ જિજ્ઞેશ પત્ની કામિની પર શંકા કરતો હતો કે, તેના અન્ય કોઈ સાથે સંબંધ છે. આ વહેમ રાખીને તે અવાર નવાર પત્ની સાથે ઝઘડો-તકરાર કરતો હતો. વારંવાર કંકાસથી કંટાળીને કામિનીબેન તેમના પિયર રહેવા જતા રહ્યા હતા. ઉમરગામ જીઆઇડીસીમાં નોકરી કરી હાલ કામિની પરિવારનું પોષણ કરે છે.
કામિનીબેનને તેમના પતિ જિજ્ઞેશે પિયરથી પોતાના ઘરે આવવા માટે પણ સમજાવી હતી. જાેકે ખરાબ સ્વભાવને કારણે તેઓ પરત ફરતા ન હતા. તેમણે અવાર નવાર પત્ની પાસે જઇ સાસરે પરત કરવા દબાણ કર્યું હતું. સાથે જ પગારમાંથી બચત કરેલ રૂપિયાની માંગણી પણ કરી હતી.
ત્યાર બાદ બંને વચ્ચે સંબંધો વણસી ગયા હતા. સોમવારે સવારે કામિનીબેન પોતાની મિત્ર સાથે નોકરીએ જવા માટે ઉમરગામ કન્યા શાળા સામે રિક્ષાની રાહ જાેતી ઊભા હતા, આ દરમિયાન પતિ જિજ્ઞેશ ત્યાં આવ્યો હતો. મારે ખાનગી વાત કરવી છે’ તેમ કહીને તે કામિનીબેનને રોડની એક સાઇડ લઇ ગયો હતો.
જ્યાં તેણે પોતાની સાથે લાવેલું પેટ્રોલ જેવું પ્રવાહી પત્ની કામિની પર નાંખીને લાઇટરથી આગ ચાંપી હતી અને ત્યાંથી ફરાર થઇ ગયો હતો. આ સમયે કામિનીબેનની મિત્ર અને અન્ય સ્થાનિકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને કામિનીબેનને બચાવી લીધા હતા. જાેકે, આ ઘટનમાં તેઓ ઘાયલ થયા હતા, જેથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ઉમરગામ પોલીસે આરોપી પતિ સામે ગુનો નોંધી તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે કે, પીડિતાને સારવાર અર્થે દમણની મરવડ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પોલીસે હત્યાનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.SSS