પ્રેમી પંખીડાને લૂંટી લેનારી ગેંગના બે લોકો ઝડપાયા
ગાંધીનગર, ગાંધીનગર અને અમદાવાદની આસપાસ કેનાલ પાસે છરીની અણીએ યુગલોને લૂંટતી ગેંગના બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ અડાલજ-સુઘડ કેનાલ નજીક છરીની અમીએ પ્રેમી પંખીડાને લૂંટી લેનારા ૩ પૈકી એક આરોપીને એસઓજીની ટીમે ઝડપી લઈને લૂંટારૂં ગેંગનો પર્દાફાશ કર્યો છે.
આ ગેંગ અમદાવાદના પ્રેમી પંખીડાને લૂંટીને ફરાર થઈ હતી. મીડિયા રિપોર્ટ મુજબ શહેરના મોટેરા વિસ્તારમાં રહેતો ફેનિલ પટેલ ૧૦ નવેમ્બરના રોજ બુલેટ બાઈક લઈને સુઘડ કેનાલથી ૧૦૦ મીટર અંદર જતા રોડ પર પ્રેમિકાને મળવા આવ્યો હતો.
બંને વાત કરતા હતા ત્યારે ઝાડીમાંથી ૩ શખ્સ ધસી આવ્યા હતા અને પ્રેમિકાને મારી નાખવાની ધમકી આપીને ચાંદીની લકી, મોબાઈલ ફોન તેમજ પર્સ આંચકી લીધા હતા. તેમજ યુવતીની સોનાની બે વીંટી પણ તફડાવી લીધી હતી.
આ દરમિયાન કાર નજીક આવતી હોય તેમ જણાતાં ત્રણેય લૂંટારૂં ફેનિલનું બુલેટ લઈને ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા લૂંટારૂં ગેંગેને ડામવાના હેતુથી એસઓજી, લોકલ ક્રાઈમ બ્રાન્ચ તેમજ સ્થાનિક પોલીસની ટીમોએ તપાસ હાથ ધરી હતી.
જેમાં ૧૦૦થી વધુ સીસીટીવી ચકાસ્યા હતા, તેમજ ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે ગેંગના ૩ શખ્સો પૈકી બેને ઝડપી લીધા હતા. ઝડપાયેલા લૂંટારૂઓમાં શેરસિંઘ અભેસિંઘ ભાદા તેમજ રૂપસિંઘ ઉર્ફે રૂપલો બચ્ચનસિંઘ ભાદાનો સમાવેશ થાય છે.
જ્યારે ગેંગનો ત્રીજાે સૂરજિતસિંઘ ઈન્દ્રસિંઘ ફરાર હોવાથી તેની શોધખોળ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. સાબરમતી પોલીસ સ્ટેશનમાં ૩ ગંભીર ગુના નોંધાયેલા હોવાથી રૂપસિંઘ ગેંગનો મુખ્ય સૂત્રધાર હોવાનું મનાઈ રહ્યું છે.SSS