પ્રેમ લગ્ન કરનારા યુવકની ઈચ્છા મોતની માગથી ચકચાર
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે લખતરના એક યુવકે ઇચ્છા મોતની અરજી કરતા ખળભળાટ મચી ગયો છે. આ યુવકે આ જ વર્ષે જુલાઈ મહિનામાં પ્રેમ લગ્ન કર્યા હતા. જે બાદમાં સમાજના આગેવાનો આ લગ્નનો વિરોધ કરતા હોવાથી અને છૂટાછેડા લેવા માટે દબાણ કરતા યુવકે કંટાળીને કલેક્ટર પાસે ઇચ્છા મોતની મંજૂરી માંગી છે. યુવકે કલેક્ટર કચેરી ખાતે રજુઆત કરી છે કે સમાજના લોકો તેને કુંટુંબ અને મિત્રોને ત્રાસ આપીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રહ્યા છે. આ મામલે વ્યથિત થઈને યુવકે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં રજૂઆત કરતા દોડધામ મચી ગઈ હતી.
લખતરના દીપક વાઘેલાને તાલુકાના કેસરિયા ગામની પોતાની જ જ્ઞાતિની યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. પ્રેમ સંબંધ બાદ બંનેએ બહારગામ જઈને કોર્ટ મેરેજ કરી લીધા હતા. પરંતુ દીપકની પ્રેમ સ્ટોરીમાં ત્યારે વિઘ્ન આવ્યું જ્યારે તેમના સમાજે આ લગ્નનો વિરોધ કર્યો હતો. લગ્ન બાદ દીપક અને મમતા સીધા જ પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા હતા અને બંનેએ લગ્ન કરી લીધાની જાણ કરી હતી. જોકે, પંચાયતે તઘલઘી ર્નિણય કરતા બંનેને અલગ કરી દીધા હતા. વાત અહીંથી અટકી ન હતી. જ્ઞાતિ પંચાયતે એવો ર્નિણય કર્યો કે દીપક અને તેના આખા પરિવારને નાત બહાર કરવો. એટલું પૂરતું ન હોય તેમ દીપક સામે કેસ કરવો અને તેન જેલમાં નાખી દેવો.
પંચાયતના આવા ર્નિણયથી કંટળીને દીપકે કલેક્ટરને એક લેખિતમાં અરજી કરીને ઇચ્છા મોતની માંગ કરી છે. આરવરાજ (દીપક) વાઘેલાએ કલેક્ટરને કરેલી અરજીમાં લખ્યું છે કે, લખતર તાલુકાના કેસરિયા ગામની મમતા વાઘેલા અને હું છેલ્લા ચાર વર્ષથી પ્રેમ સંબંધમાં છીએ. મેં બીજી જુલાઈ, ૨૦૨૦ના રોજ તેની સાથે રાજીખુશીથી કોર્ટ મેરેજ કરી લીધા છે. જે બાદમાં હું મારી પત્ની સાથે બહારગામ ખાતે રહેવા ચાલ્યો ગયો હતો. જે બાદમાં કેસરિયા ખાતે ૧૪ જ્ઞાતિનો સમાજ ભેગો થયો હતો અને તેમાં મારા લગ્ન વિશે ર્નિણય કરવામાં આવ્યો હતો. જે બાદમાં કેસરિયા ગામ ખાતે મારી પત્નીને ઘરમાં પૂરી દીધી હતી. આ વખતે સમાજ કહ્યું હતું કે લગ્ન અંગે ત્રણ દિવસમાં ર્નિણય કરવામાં આવશે. જોકે, આજે ત્રણ મહિના થયા હોવા છતાં મારી પત્નીને મારા ઘરે મોકલી નથી. હવે આ લોકો મને અમે મારા મિત્રોને જેલમાં ધકેલી દેવાની ધમકી આપે છે.