Western Times News

Gujarati News

પ્રેમ લગ્ન બાદ સટોડીયા પતિએ પત્નીને ચોર કહીને ઘરમાંથી કાઢી મૂકી

અમદાવાદ: લગ્ન બાદ થોડા જ સમયમાં યુવતીને ત્રાસ મળ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સાબરમતી પોલીસસ્ટેશનમાં એવી એક ફરિયાદ નોંધાઈ છે જે ઘટના જાણીને જ હચમચી જવાય. એક યુવતીને લગ્ન બાદ તેના પતિ અને સાસુએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. બંનેએ યુવતીના દાગીના તો વેચી નાખ્યા હતા અને ઉપરાંત બાળકની ફી પણ તેના પિતા ભરતા ન હતા. સમગ્ર મામલે સાબરમતી પોલીસે તપાસ હાથ ધરી છે.

સાબરમતીમાં રહેતી ૩૪ વર્ષીય યુવતીના તેર વર્ષ પહેલા પ્રેમ લગ્ન થયા હતા. હાલમાં તે તેના પતિ અને સાસુ તથા ૯ વર્ષના બાળક સાથે રહે છે. છેલ્લા ઘણા સમયથી આ યુવતી તેના સાસરિયાઓનો ત્રાસ સહન કરતી હતી. યુવતીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેનો પતિ કોઈ જગ્યાએ નોકરી કરે છે. પણ તે દારૂ પીવાની, જુગાર રમવાની લત ધરાવતો હોવાથી પત્ની અને બાળકોના ખર્ચમાં પહોંચી નથી વળતો.

સાથે બાળકની ફી પણ આ જ યુવતીને ભરવી પડે છે. થોડા સમય પહેલા યુવતીના પિયરમાંથી લગ્ન સમયે આવેલા દાગીના પણ તેની સાસુએ વેચી નાખ્યા હતા. યુવતીના પતિને ક્રિકેટ સટામાં દેવું થઈ જતાં તેણે લોકો પાસેથી ઉધારી કરી હતી અને યુવતીની માતા પાસેથી પણ દોઢ લાખ મંગાવ્યા હતા.

બાદમાં ફરી રૂપિયાની જરૂર પડતા યુવતીના પતિએ તેની પર જ ચોરીનો આક્ષેપ મૂકીને તેને બાળક સાથે ઘરમાંથી કાઢી મૂકી હતી. આખરે આ યુવતીએ પોલીસની મદદ લઈને તેના પતિ અને સાસુ સામે સાબરમતી પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.