પ્રોટેક્શન માંગનાર વ્યક્તિને કોઈપણ ભોગે પોલીસ સ્ટેશનમાં રાખવા નહીં; હાઈકોર્ટ
અમદાવાદ, એક અત્યંત અજીબોગરીબ કેસમાં પોલીસ રક્ષણ માંગનાર યુવકને શહેરના વિવેકાનંદ પોલીસ સ્ટેશનમાં જ રાખવાનો મામલો સામે આવ્યો છે. ખુદ પોલીસે હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કરી આ હકીકત જણાવી હતી. જે રેકોર્ડ પર લઈ હાઈકોર્ટના જસ્ટિસ સોનિયા ગોકાણી અને જસ્ટિસ એન.વી.અંજારિયાની ખંડપીઠે પોલીસ ઓથોરિટીને ચેતવણી આપતાં આદેશમાં નોંધ્યું છે કે,
અમે સંબંધિત પોલીસ અધિકારી અને તેમના સુપિરિયરને ચેતવણી આપીએ છીએ કે પ્રસ્તુત કેસમાં સામે આવેલી હકીકત જેવા કોઈ કેસ ભવિષ્યમાં આવે ત્યારે પોલીસે ેતે વ્યક્તિને પ્રેટેક્શન પૂરું પાડવા તમામ વ્યવસ્થા ગોઠવવાની રહેશે. પરંતુ કોઈ પણ ભોગે તેને પોલીસ સ્ટેશનમાં રાખવાની બાબત અપેક્ષિત નથી.
ભવિષ્યમાં પોલીસ ઓથોરીટી આ બાબતને ધ્યાનમાં રાખે. આ પ્રકારનો આદેશ કરી હાઈકોર્ટે રિટનો નિકાલ કર્યાે છે. આ સમગ્ર મામલો હેબિયસ કોપર્સનો હતો, જેમાં યુવતીએ કાકાની સાથે જવાનો ઈન્કાર કરતાં તેને નારીગૃહમાં રખાઈ હતી. જ્યારે કે યુવતીએ મુઝફ્ફરનગર યુ.પી.ના જે યુવક સાથે લગ્ન કર્યા હતા
તેને પોલીસ રક્ષણ પૂરું પાડવાનો આદેશ અગાઉ હાઈકોર્ટે કર્યાે હતો. પરંતુ યુવકને પોલીસ સ્ટેશનમાં રખાયાની બાબત ધ્યાને આવતાં હાઈકોર્ટે પોલીસને રિપોર્ટ રજૂ કરવા કહ્યું હતું. જે મુજબ વિવેકાનંદ પોલીસે રિપોર્ટ રજૂ કરીને કોર્ટને જણાવ્યું હતું કે, યુવકની ધરપકડ કરવામાં આવી નહોતી, પરંતુ તેણે એક અરજી આપી હતી અને તેને યુવતીના કાકાથી જાેખમ હોવાથી પોલીસ સ્ટેશનમાં રહેવા દેવાની માંગ કરી હતી.