Western Times News

Gujarati News

પ્રોપર્ટી ટેકસનો ચેક બાઉન્સ થશે તો ફોજદારી કેસ થઈ શકે છે

અમદાવાદ, મ્યુનિ. કોર્પોરેશનના પ્રજાકીય સુખાકારીના કામો કહો કે વિકાસના કામો ગણો પણ આ તમામ કામોમાં પ્રોપર્ટી ટેકસની આવક ભારે મહત્ત્વપૂર્ણ રહી છે. તંત્રને રોજેરોજ થતી પ્રોપર્ટી ટેક્સની આવકથી ભારે રાહત મળે છે. ગત નાણાંકીય વર્ષ ર૦ર૩-ર૪માં મ્યુનિ. તિજોરીમાં પ્રોપર્ટી ટેક્સની આવક પેટે રૂ.૧૬૭૯.૯૮ કરોડ મળ્યા હતા.

એક પ્રકારે પ્રોપર્ટી ટેકસ વિભાગે કરંટ ડિમાન્ડની ૮ર ટકાથી પણ વધુ વસૂલાત કરી હતી. સત્તાવાળાઓની આ સફળતા પાછળ સિલિંગ ઝુંબેશ પણ જવાબદાર છે. મોટી રકમના ટેકસ ડિફોલ્ટર્સની ર.૩૯ લાખથી વધુ કોમર્શિયલ મિલકતોને તંત્રએ સખ્તાઈપૂર્વક તાળાં મારી દીધા હતા. હવે મ્યુનિ. સત્તાવાળાઓ પ્રોપર્ટી ટેક્સના બિલની ભરપાઈ માટે જે તે પ્રોપર્ટી ટેકસધારક દ્વારા અપાતા ચેક રિટર્નના મામલે લાલઘૂમ થયા છે. તંત્રએ ફરી આક્રમકતા દાખવીને આવા કરદાતાઓ સામે જાહેર નોટિસ પ્રસિદ્ધ કરી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનમાં સમાવેશ થતી મિલકતોના પ્રોપર્ટી ટેકસની રકમનો કરદાતાઓ દ્વારા તંત્રમાં જમા કરાવવામાં આવેલો ચેક રિટર્ન થતાં તેની ગંભીર નોંધ લેવાઈ છે. પૂર્વ ઝોનના ડેપ્યુટી મ્યુનિ. કમિશનરે આવા ચેક રિટર્નના મામલે કુલ છ કરદાતાના નામ-સરનામા સહિતની આજે જાહેર નોટિસ પ્રસિદ્ધ કરી છે. કુલ રૂ.૯.૧૧ લાખની વધુ રકમના પ્રોપર્ટી ટેકસના મામલે તંત્ર આકરા પાણીએ આવ્યું છે.

આ કરદાતાઓને ચેક રિટર્નના મામલે તંત્રએ નોટિસ પણ ફટકારી હતી. જો કે, રિટર્ન ચેકના નાણાં હજુ સુધી ભરપાઈ કરવામાં આવ્યા નથી. પરિણામે આ ઝોનના ડેપ્યુટી મ્યુનિ. કમિશનરે જો સાત દિવસમાં નાણાં ભરપાઈ નહીં કરવામાં આવે તો તેમની સામે નેગોશિયેબલ ઈન્સ્ટ›મેન્ટની કલમ ૧૩૮ હેઠળ કોર્ટમાં ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી આપી છે.

ઓઢવ દેવાશિષ આર્કેડ સામે આવેલી દુકાન નં.૩૦૧થી ૩૦૩ના કબજેદાર હોટલ મહારાજ પેલેસના નીતિનભાઈ અને ભૂપેન્દ્રભાઈ કે જેનો ટેનામેનટ નં.૦૪ર૯-ર૭-૧૮૭પ-૦૦૦ર-વી છે તે મામલે રૂ.૧,૯૪,૩૮૯નો ચેક તા.ર૦ માર્ચ ર૦ર૪એ રિટર્ન થયો હતો. આ મિલકતના કર ભરવાપાત્ર પ્રથમ વ્યક્તિ વિષ્ણુભાઈ મોહનભાઈ દેસાઈ અને અનય છે.

રખિયાલના સુખરામનગર પાછળ આવેલી મિલકત કે જેના કર ભરવાપત્ર પ્રથમ વ્યક્તિ અંકુર ઓફસેટ પાર્ટનર નવીનચંદ્ર નાનજીભાઈ છે અને આ મિલકતનો ટેનામેન્ટ નં.૦૪૦૭-ર૯-૦પ૩૯-૦૦૦ર-ટી છે. આ મિલકતના રૂ.૧,૯૪,૮૭૩ના પ્રોપર્ટી ટેકસ માટે અપાયેલો ચેક તા.રર માર્ચ ર૦ર૪એ રિટર્ન થયો છે. જ્યારે નવા ઓઢવના એસપી રિંગ રોડના સોમનાથ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક-૧ સામેના શેડ નં.૯૧ કે જેના કર ભરવાપાત્ર પ્રથમ વ્યક્તિ બારોટ વર્ષાબહેન નિલેશકુમાર અને બારોટ નિલેશકુમાર ભરતભાઈ છે અને આ મિલકતનો ટેનામેનટ નં.૦૪૩ર-૬૧-૪૮૩પ-૦૦૦૧-ટી હોઈ તેના રૂ.૧,૦૮,પપ૯ના ટેકસ પેટે અપાયેલો ચેક તા.૧૬ માર્ચ ર૦ર૪એ રિટર્ન થયો હતો.

હાથીજણના હાથીજણ સર્કલ પાસેના રાધે કોર્નર નજીક ટીએફ-૩ મિલકતના કબજેદાર ભેરૂસિંહ જયસિંહ અને રાજપુરોહિત હોઈ તેના કર ભરવાપાત્ર પ્રથમ વ્યક્તિ સંજય લાલજીભાઈ ગુપ્તા છે. આ મિલકતનો ટેનામેન્ટ નં.૦૪૪૧-૪૩-૬૧પ૯-૦૦૦૧-યુ હોઈ તેનો ર૮ ફેબ્રુઆરી ર૦ર૪એ ચેક રિટર્ન થયો હતો. રૂ.૧,૦૮,૦૬૬ માટે અપાયેલો આ ચેક રિટર્ન થવા પામ્યો હતો.

જ્યારે ન્યૂ નિકોલના રાસ્પન આર્કેડ નજીકના ટાઉન પ્લાઝાના એફએફ ૧રપના કબજેદાર દિનેશકુમાર રામદાસ પટેલ કે જેના પ્રથમ કર ભરવાપાત્ર વ્યક્તિ ટાઉન ડેવલપર્સ હોઈ ટેનામેન્ટ નં.૦૪૪૮-૩પ-ર૬૩૩-૦૦૦૧-ટી છે. આ મિલકતનો રૂ.૧,ર૬,ર૧૯નો ચેક તા.૩ એપ્રિલ ર૦ર૪એ રિટર્ન થયો હતો. આ ઉપરાંત મણિનગરના ગોરના કૂવાની રાજ ચેમ્બર્સમાં આવેલી મિલકત કે જેનો ટેનામેન્ટ નં.૦૪૧૮-૦૧-૦૬૦૧-૦૦૦૧-વી છે

અને આ મિલકતનો રૂ.૧,૭૮,૪ર૦નો ચેક ગત તા.૩ એપ્રિલ ર૦ર૪એ રિટર્ન થયો હતો. તંત્રએ આ તમામ છ મિલકતોના મામલે આજે સવારે જાહેર નોટિસ પ્રસિદ્ધ કરતાં આ બાબત ભારે ચર્ચાસ્પદ બની છે. ચેક રિટર્નના મામલે કદાચ પહેલી વખત મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આ પ્રકારે જાહેર નોટિસ પ્રસિદ્ધ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.