પ્રોપર્ટી ટેકસ કરદાતા ઘેરબેઠાં તંત્રની વેબસાઈટ પર આકારણીની વિગત જોઈ શકશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/03/amc-office.jpg)
મ્યુનિસિપલ પ્રોપર્ટી ટેકસની આકારણી સામે ર૯ મે સુધી ફરિયાદ કરી શકાશે
(એજન્સી) અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશન માટે આવકનો મુખ્ય સ્ત્રોત પ્રોપર્ટી ટેકસ હોઈ આ વિભાગ દ્વારા કાર્પેટ એરિયા-પદ્ધતિ મુજબ પ્રોપર્ટી ટેકસ આકારવા અંગે આકારણીની ચોપડી ઈ-ફોર્મ સ્વરૂપમાં તૈયાર કરાઈ છે અને તમામ ઝોનની ઝોનલ ઓફિસના ટેકસ વિભાગમાં તે જોવા મળવાની છે.
જો કે, જે કોઈ પ્રપોર્ટી ટેકસ કરદાતાને પોતાની મિલકતની આકારણી સંદર્ભે કોઈ વાંધાઅરજી હોય તો તે તારીખ ર૯ મે સુધીમાં તંત્ર સમક્ષ કરી શકશે.
મધ્ય ઝોનમાં સરદાર પટેલ ભવનના ડી-બ્લોકના ટેકસ વિભાગમાં ઉત્તર ઝોનમાં મેમ્કોના રાજીવ ગાંધી ભવનના ટેકસ વિભાગમાં, દક્ષિણ ઝોનમાં મણિનગરના ડૉ.શ્યામાપ્રસાદ મુખરજી ભવનના ટેકસ વિભાગમાં, પૂર્વ ઝોનમાં વિરાટનગરના હરૂભાઈ મહેતા
ભવનના ટેકસ વિભાગમાં, પશ્ચિમ ઝોનમાં ઉસ્માનપુરાના ડૉ.રમણભાઈ પટેલ ભવનના ટેકસ વિભાગમાં, ઉત્તર પશ્ચિમ ઝોનમાં બોડકદેવના રાજમાતા વિજયારાજે સિંધિયા ભવનના ટેકસ વિભાગમાં, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં જોધપુરના તુષાર દેશમુખ ભવનના ટેકસ વિભાગમાં ઈ-ફોર્મ જોવા મળશે.
આ તમામ સરનામાના સ્થળે સવારના ૧૧ઃ૦૦થી બપોરના ર અને બપોરના રઃ૩૦થી સાંજના પઃ૦૦ વાગ્યા સુધી તેમજ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની વેબસાઈટ ડબ્લ્યુડબ્લ્યુડબ્લ્યુ.એહમદાબાદ સિટી ડોટ જીઓવી ડોટ ઈન પર જોઈ શકાશે અને તેનો ઉતારો મેળવી શકાશે. પૂર્વ ઝોનમાં એડોપ્ટેડ એન્ટ્રી અને પશ્ચિમ ઝોનમાં ૦પ-૦૧થી ૦પ-૦૯ની આકારણી ઈ-ફોર્મમાં ઉપલબ્ધ કરાઈ છે.
જ્યારે અન્ય ઝોનની તમામ મિલકતોની આકારણીની ચોપડી ઈ-ફોર્મમાં તૈયાર કરાઈ છે. તંત્ર દ્વારા દર્શાવાયેલી માહિતી બાબતે જે કોઈ કરદાતાને વાંધો હોય તો જે સ્થળે આકારણીની ચોપડી ઈ-ફોર્મમાં રાખવામાં આવી છે. તે સ્થળે તા.ર૯ મે સુધીમાં લેખિત વાંધાઅરજી કરી શકશે. આ માટેના છાપેલા ફોર્મ પ૦ પૈસાની કિંમતે ટેકસ વિભાગની ઓફિસમાંથી આપવામાં આવશે કે જેની પહોંચ લેવી જરૂરી છે.