પ્રોપર્ટી ટેક્સ વસૂલાત હેઠળ તંત્રે ૨૫૦થી વધુ કોમર્શિયલ મિલકતને તાળા માર્યાં
માનસી કોમ્પ્લેક્સ, પ્લેટિનમ પ્લાઝા અને જજીસ બંગલો રોડ પર તંત્ર ત્રાટક્યું
અમદાવાદ, મ્યુનિ. તંત્ર માટે પ્રોપર્ટી ટેક્સની આવક જ એક માત્ર આવકનો સ્ત્રોત હોઇ એક તરફ સત્તાવાળાઓએ બાકી કરદાતાઓ માટે રિબેટ યોજનાની જાહેરાત કરી છે, તો બીજી તરફ લાખો રૂપિયાનો ટેક્સ તંત્રના ચોપડે બાકી બોલતો હોય તેવા ટેક્સ ડિફોલ્ટર્સ પરની ભીંસ વધારીને તેમની કોમર્શિયલ મિલકતોને તાળાં લગાવી રહ્યું છે.
આજે સવારે બોડકદેવ વોર્ડના માનસી કોમ્પ્લેક્સ, પ્લેટિનમ પ્લાઝા અને જજીસ બંગલો રોડ પર તંત્ર ત્રાટક્યું હતું, જેના કારણે ટેક્સ ડિફોલ્ટર્સ દોડતા થઇ ગયા હતા.
ઉત્તર-પશ્ચિમ ઝોનના ટેક્સ વિભાગની ટીમ દ્વારા આજે સવારે બોડકદેવના પ્લેટિનમ પ્લાઝા, લાડ સોસાયટી પાસેના અદ્વૈત કોમ્પ્લેક્ષ, માનસી સર્કલ પાસેના માનસી કોમ્પ્લેક્ષ, સૂરધારા સર્કલ પાસેનાં નેપલ ટ્રેડ સેન્ટર તેમજ સાયન્સ સિટી રોડ પરના ધ એમ્પાયર ડ્રીમ રાઇઝ જેવાં જાણીતાં કોમ્પ્લેક્ષમાં દરોડા પાડ્યા હતા.
આ કોમ્પ્લેક્સમાં આવેલી ડિફોલ્ટર્સની કોમર્શિયલ મિલકતને તાળા મારી દેવાયા હતા. તંત્ર દ્વારા જજીસ બંગલો રોડ ઉપર પણ સપાટો બોલાવાયો હતો. આ ઉપરાંત પશ્ચિમ ઝોનમાં રાણીપનાં શુકન હોમ, માર્ટિન પેન્ટાગોન ખાતે પણ તંત્ર ત્રાટક્યું હતું. ટેક્સ વિભાગની ટીમ દ્વારા ગાધી આશ્રમ વિસ્તાર અને આયોજનનગર વિસ્તારની છૂટીછવાઇ કોમર્શિયલ મિલકતોને પણ આજે તાળા મરાયા હતા. આજે પશ્ચિમ અમદાવાદમાં સવાર સુધીમાં ૨૫૦થી વધુ મિલકતને તંત્રે સીલ માર્યા હતા.