પ્લાઝમા જેટથી ૩૦ સેકન્ડમાં કોરોનાનો નાશ કરી શકાશે
નવીદિલ્હી, દુનિયાભરમાં કહેર વરસાવી રહેલા કોરોના સંક્રમણને ખત્મ કરવા માટે વૈજ્ઞાનિક સ્તર પર રિસર્ચ થઇ રહ્યું છે. તેની દવા અને રસી વિકસિત કરવામાં આવી રહી છે. આ દરમ્યાન એક રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે કોરોનાને નાથવા માટે પ્લાઝમા જેટ ખૂબ જ અસરકાર નીવડે છે. તેના માધ્યમથી માત્ર ૩૦ જ સેકન્ડમાં કોરોનાનો ખાત્મો બોલાવી શકાય છે. રિસર્ચર્સે થ્રી-ડી પ્રિન્ટરથી પ્લાઝ્મા જેટનો સ્પ્રે બનાવ્યો છે. તેનું પરીક્ષણ પણ સફળ રહ્યું છે.
રિસર્ચમાં પ્લાઝ્મા જેટના સ્પ્રેનો ઉપયોગ પ્લાસ્ટિક, ધાતુ, કાર્ડ બોર્ડ અને ચામડા પર કરવામાં આવ્યો. તેમાં જાણવા મળ્યું કે સ્પ્રે તમામ કોરોના વાયરસને ત્રણ મિનિટથી ઓછા સમયમાં મારી નાંખે છે. મોટાભાગના વાયરસને મારવામાં માત્ર ૩૦ સેકન્ડનો સમય લાગ્યો. ફિઝિક્સ ઓફ ફ્લૂડ્સ નામના જર્નલમાં પ્રકાશિત થયેલા રિસર્ચમાં જાણવા મળ્યું કે પ્લાઝમા જેટ ચાર પાયાની અવસ્થાઓમાંથી એક છે. સ્થિર ગેસને ગરમ કરીને કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફીલ્ડના સંપર્કમાં લાવીને તેને બનાવી શકાય છે.
પ્લાઝ્મા જેટ સ્પ્રેનો ફેસ માસ્ક ઉપર પણ પ્રયોગ કરવામાં આવ્યો. આ સ્પ્રે માસ્ક ઉપર પણ એટલું જ અસરદાર રહ્યું છે. જૂન મહિનામાં કરાયેલા આ સંશોધનમાં કહેવાયું છે કે આ સ્પ્રેનો પ્રયોગ ધાતુ, ચામડા અને પ્લાસ્ટિક પર કરવામાં આવ્યો છે. આ શોધમાં કોલ્ડ પ્લાઝમાએ પણ ૩૦ સેકંડથી ઓછા સમયમાં કોરોનાને ખતમ કર્યો હતો.SSS