પ્લાઝમા ડોનેટ કરી કોરોનાગ્રસ્ત દર્દીઓની જિંદગી બચાવવા ડૉક્ટર જીજ્ઞેશ સંકલ્પબધ્ધ
સમર્પણ ભાવના…. કોરોનાને મ્હાત આપી સિવિલના ડૉક્ટર ફરજ પર સજ્જ…
જ્યારે હું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે દાખલ થયો ત્યારે મારી હાલત પાણીમાંથી બહાર નીકાળેલી માછલી જેવી હતી હું શ્વાસ લેવા માટે તરફડી રહ્યો હતો… આ શબ્દો છે સિવિલ સંકુલમાં સ્ટેટ ટી.બી ટ્રેનિંગ એન્ડ ડેમોસ્ટ્રેશન સેન્ટર (STDC) ખાતે ફરજ બજાવતા સિનિયર મેડીકલ ઓફિસર ડૉ. જીજ્ઞેશ પટેલના…
ડૉ. જીજ્ઞેશ પટેલ અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ ખાતે દેશના વિવિધ ભાગોમાંથી હવાઈ માર્ગે મુસાફરી કરી આવનારા તમામ પ્રવાસીઓનું સ્ક્રિનિંગ ટેસ્ટ કરતાં હતા. પ્રવાસીઓને સ્ક્રિનિંગ પક્રિયા દરમિયાન તેઓ પોઝિટીવ થયાં હતા.
ડૉ. પટેલ કહે છે કે, ‘હું તારીખ ૧ જૂનના રોજ રાત્રે ૮ થી સવારે ૮ કલાક સુધીની ડ્યુટીમાં હતો ત્યારે મેં અંદાજિત ૫૦૦ પ્રવાસીઓનું સ્ક્રિનિંગ કર્યું હતું. ડ્યુટી પૂર્ણ કર્યા બાદ ઘરે જઈ મેં ટેમ્પરેચર ચેક કરતાં ૧૦૨ ડિગ્રી આવ્યુ, હેલ્થકેર ફિલ્ડના વ્યક્તિ તરીકે સજાગતા દાખવી મેં સોલા હોસ્પિટલ ખાતે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો જે નેગટીવ આવ્યો. ફિઝિશિયનની સલાહ પ્રમાણે હું સાત દિવસની દવા શરૂ કરીને હોમ કોરન્ટાઈન થયો પરંતુ સતત ત્રણ દિવસ મારું ટેમ્પરેચર વધતાં, ડાયેરિયા અને શ્વાસ લેવામાં તકલીફ થતાં HRCT ટેસ્ટ કરાવતાં કોરોનાનાં લક્ષણો માલૂમ પડ્યાં ત્યારબાદ પુનઃ કોવિડ૧૯ રીપીટ ટેસ્ટ નીકાળતાં રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો’
તેઓ ઉમેરે છે, મારો બે વાર કોરોનાનો રીપોર્ટ નેગેટીવ આવ્યો પરંતુ તકલીફ વધતાં ફરીથી કોરોનાનો ટેસ્ટ કરાવતાં પોઝીટીવ આવ્યો. ત્યારબાદ હું તારીખ ૧૧ જૂનના રોજ સારવાર અર્થે સિવલમાં ૧૨૦૦ બેડ ડેડિકેટેડ હોસ્પિટલ ખાતે દાખલ થયો. સૌ પ્રથમ સિવિલ ખાતે ફુલ બોડી ચેક-અપ કરવામાં આવ્યું ત્યારબાદ મારી સ્થતિમાં સુધારો ન થતાં ટોસિલીઝુમેબ, ડેકઝોના અને એલ.એમ.ડબલ્યુ.એચ, એન્ટી બેક્ટેરિયલ ઈન્જેક્શન તેમજ આઈવી ફ્લુઈડ આપ્યા બાદ મારા સ્વાસ્થયની સ્થિતિ સામાન્ય બની.
૪૬ વર્ષીય ડૉ. જીજ્ઞેશભાઈએ સતત ૧૨ દિવસ સુધી જિંદગી અને મોતની ક્ષણ વચ્ચે ઝોલા ખાઈને કોરોનાને મ્હાત આપી. કોરોનાગ્રસ્ત દર્દીઓની જિંદગી બચાવી શકાય તે માટે જીજ્ઞેશભાઈએ પ્લાઝમા ડોનેટ કરવા માટે સંકલ્પ લીધો છે. કોરોનાને મ્હાત આપી પુઃન ટીબીના દર્દીઓની સારવારમાં કાર્યરત થઈ ગયા છે.
ડૉ. પટેલે સારવાર અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતાં જણાવ્યું કે, સિવિલ હોસ્પિટલના દરેક ડૉક્ટર્સ અને સ્ટાફ દ્વારા મારી સ્વજનની જેમ સેવા-સુશ્રુષા કરવામાં આવી છે. મને કોઈપણ પ્રકારની તકલીફ પડવા દીધી નથી જેના પરિણામે આજે મને નવજીવન પ્રાપ્ત થયું છે હું ક્યારેય સિવિલ હોસ્પિટલનું ઋણ ચુકવી શકીશ નહિ.
જીજ્ઞેશભાઈ જણાવે છે કે, મને કોરોનાથી ઝડપથી સાજાં થવામાં મારા પત્ની, બાળકો, મિત્રો અને મારા હોસ્પિટલના પરિવારે ખૂબ જ સહયોગ આપ્યો. બધા તરફથી સતત હુંફ, પ્રેમ, લાગણી અને કાળજી પ્રાપ્ત થઈ છે.
દેશના નાગરિકોને સંદેશ પાઠવતાં ડૉ.પટેલ જણાવે છે કે, આજે સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી સર્જાઈ છે ત્યારે આપણે સૌએ નાગરિક ધર્મનું પાલન કરી કોરોનાને નિયંત્રણમાં લાવવા માટે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ. આપણે સૌ સાથે મળી કોરોનાને ચોક્કસ હરાવીશું અને આપણે જીત મેળવીશું તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
કોરોના મહામારીના સમયમાં ફરજ દરમિયાન થયેલા સંક્રમણ અને સારવાર બાદ સ્વસ્થ થઈ ફરી ટી.બીના દર્દીઓની સારવાર માટે તત્પર ડૉ. જીજ્ઞેશ પટેલ જેવા કોરોના વોરિયર્સના નૈતિક મૂલ્યો અને ફરજ પ્રત્યેની ઉમદા ભાવના દેશનું ઉજ્જવળ ભવિષ્ય દર્શાવે છે. ડો. પટેલ જેવા લાખો નામી-અનામી કોરોના વોરિયર્સને લાખ-લાખ અભિનંદન…