પ્લાઝ્મા થેરાપીથી કોરોનાના મોતની દહેશત ટળતી નથી
કોન્વલસેન્ટ પ્લાઝ્મા થેરાપીથી કોરોના વાયરસથી પીડાતા દર્દીઓની સારવારમાં કોઈ ખાસ વધારે મદદ મળતી નથી
નવી દિલ્હી, સરકાર દ્વારા કોવિડ-૧૯ની સારવાર માટે પ્લાઝ્મા થેરાપી જેને કોન્વલસેન્ટ પ્લાઝ્મા કહેવાય છે તેની મંજૂરી આપવામાં આવી છે. જેને લઈને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ તેની અસર અંગે સંશોધન કર્યું છે. કોન્વલસેન્ટ પ્લાઝ્મા થેરાપીથી કોરોના વાયરસથી પીડાતા દર્દીઓની સારવારમાં કોઈ ખાસ વધારે મદદ મળતી નથી. ઉપરાંત, આ ઉપચાર મૃત્યુદર ઘટાડવામાં અસરકારક સાબિત થઈ રહ્યો નથી. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના સંશોધનથી આ વાત બહાર આવી છે. કોરોના દર્દીઓ પર પ્લાઝ્મા થેરેપીની અસર જાણવા માટે દેશભરની ૩૯ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં ૨૨ એપ્રિલથી ૧૪ જુલાઇ સુધી અભ્યાસ કરવામાં આવ્યો. પરિણામો દર્શાવે છે કે પ્લાઝ્મા થેરાપી મેળવતા દર્દીઓ અને ૨૮ દિવસની અંદર સામાન્ય સારવાર મેળવતા દર્દીઓની સ્થિતિમાં કોઈ તફાવત જોવા મળ્યો નથી.
આઈસીએમઆરએ ઓપન-લેબલ પેરેલલ-આર્મ ફેઝ ૨ મલ્ટિસેન્ટર રેન્ડમાઇઝ્ડ કંટ્રોલ ટ્રાયલમાં કુલ ૪૬૪ દર્દીઓ પર પ્લાઝ્મા થેરેપીની અસરની તપાસ કરી. અભ્યાસ મુજબ, કોન્વલસેન્ટ પ્લાઝ્મા મૃત્યુદર ઘટાડવામાં અને કોવિડ-૧૯ના ગંભીર દર્દીઓની સારવાર કરવામાં ખાસ અસરકારક નથી. આઈસીએમઆર દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કોન્વલસેન્ટ પ્લાઝ્માના ઉપયોગ પર માત્ર બે અધ્યયન થયા છે, એક ચીન અને બીજું નેધરલેન્ડમાં જોકે બંને દેશોએ આ ઉપચાર પદ્ધતિને પોતપોતાના દેશમાં બંધ કરી દીધી છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ૨૭ જૂને જાહેર કરેલ કોવિડ-૧૯ના ‘ક્લિનિકલ મેનેજમેન્ટ પ્રોટોકોલ’માં આ થેરાપીને મંજૂરી આપી હતી. આ ઉપચાર પદ્ધતિમાં એન્ટિબોડીઝ એવા વ્યક્તિના લોહીમાંથી લેવામાં આવે છે જે પોતે કોવિડ-૧૯ માંથી સ્વસ્થ થઈ ગયો હોય. તેના પ્લાઝ્માને ચેપગ્રસ્ત વ્યક્તિમાં ચઢાવવામાં આવે છે. જેથી તેના શરીરમાં ચેપ સામે લડવાની પ્રતિરક્ષા વિકસી શકે. આઈસીએમઆરએ શોધી કાઢ્યું કે બંને પ્રકારના દર્દીઓ(પ્લાઝ્મા થેરાપી અને સામાન્ય ઉપચાર મેળવતા)ના મૃત્યુદરમાં તફાવત ખૂબ જ ઓછો હતો માત્ર ૧% જેટલો જ છે.SSS