પ્લાન બનાવીને ખેડૂતોને ચક્રવ્યૂહમાં ફસાવ્યા: રાકેશ ટિકૈત

નવીદિલ્હી, દેશના પાટનગર દિલ્હીમાં ખેડૂતોના ટ્રેક્ટર માર્ચ દરમિયાન લાલ કિલ્લાથી લઈને દિલ્હીના વિવિધ સ્થળો પર થયેલી હિંસા મામલે પોલીસ તપાસ શરૂ થઈ ગઈ છે ત્યારે ખેડૂત અગ્રણી રાકેશ ટીકૈતનો એક વિડીયો સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. રાકેશ ટીકૈત આ વિડીયોમાં લોકોને ઉશ્કેરતા દેખાઈ રહ્યા છે જેમાં તેઓ કહી રહ્યા છે કે હવે સરકાર જિદ્દી થઈ ગઈ છે એટલે પ્રદર્શનમાં ઝંડા અને ડંડા સાથે લઈને આવવું પડશે. આ વિડીયો ભારતીય જનતા પાર્ટીના સંબિત પાત્રાએ પણ ટિ્વટ કર્યો છે.
વાયરલ વિડીયોમાં રાકેશ ટીકૈત કહી રહ્યા છે કે સરકાર માની નથી રહી, વધારે કેડી થઈ રહી છે. લઈ આવજાે, ઝંડા, ડંડા પણ સાથે રાખજાે. બધી વાત સમજી જજૉ. આવી જાઓ બસ બહુ થઈ ગયું. તીરંગાની સાથે પોતાનો ઝંડો પણ લઈ આવજૉ. આવી જાઓ જમીન બચાવવા. જમીન બચી નથી રહી.
બુધવારે આ વિડીયો મામલે તેમણે કહ્યું કે વિડીયો તેમનો જ છે. તેમણે કહ્યું કે લાઠી કોઈ હથિયાર થોડી છે. હું મારી ભૂલ સ્વીકાર કરું છું. ગઇકાલની હિંસા બાદ આજે સવારે રાકેશ ટીકૈતે કહ્યું કે જેણે ઝંડો ફરકાવ્યો તે માણસ કોણ હતો? એક કોમને બદનામ કરવાનું ષડયંત્ર છે જે બે મહિનાથી ચાલી રહ્યું હતું.
કેટલાક લોકોની ઓળખાણ થઈ છે અને તેમણે આજે અહિયાંથી જવું પડસે. જે માણસ હિંસામાં સામેલ જણાશે તેણે આ સ્થાન છોડવું પડશે અને તેના સામે કાર્યવાહી કરવામાં આવશે.
જો કે ભારતીય કિસાન યુનિનના રાષ્ટ્રીય પ્રવકતા રાકેશ ટિકૈતે નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે ખેડૂતોને પ્લાન બનાવીને ફસાવવામાં આવ્યા છે. ટ્રેક્ટર પરેડ દરમિયાન દિલ્હીમાં થયેલી હિંસા મુદ્દે આરોપ લગાવતા કહ્યું કે, ‘હિંસા કેન્દ્ર અને ઉત્તર પ્રદેશ સરકારની નિષ્ફળતા છે. ખેડૂતોને પ્લાન બનાવીને ચક્રવ્યૂહમાં ફસાવવામાં આવ્યા છે.’ રાકેશ ટિકૈતે કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા પ્રદર્શન અંગે કહ્યું કે કાયદા સામે ખેડૂતોનું આંદોલન હજુ પણ ચાલુ રહેશે.
આ સાથે જ તેમણે કહ્યું કે જાે કાયદા અંગે સરકાર વાતચીત કરશે તો અમે વાતચીત કરીશું. દેશની રાજધાની દિલ્હીમાં ગઈ કાલે મંગળવારે ગણતંત્ર દિવસના અવસરે ખેડૂતોની ટ્રેક્ટર રેલી હિંસક બની. આ હિંસામાં ૮૩ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. જેને પગલે હવે દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે. દિલ્હી પોલીસના જણાવ્યાં મુજબ અત્યાર સુધીમાં આ હિંસા મામલે ૨૨ એફઆઈઆર દાખલ થઈ છે.HS