પ.બંગાળમાં પરિણામો બાદ હિંસા જારી : ૪ જણાનાં મોત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/02/advt-western-2021-scaled.jpg)
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને તૃણમૂલ કોંગ્રેસનો ધમાકેદાર વિજય થયો છે. જાે કે, ચૂંટણી પરિણામો બાદ રાજ્યના વિવિધ ક્ષેત્રોમાં હિંસા ચાલુ છે. નંદીગ્રામ ખાતે સોમવારે પણ બબાલ થઈ હતી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં તોડફોડનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તે સિવાય કાર્યાલયને આગ ચાંપવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો.
ભારતીય જનતા પાર્ટીએ લગાવેલા આરોપ પ્રમાણે આ બધા પાછળ તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોનો હાથ છે. માત્ર ભાજપા કાર્યાલય જ નહીં પણ અનેક દુકાનો અને ઘરોમાં પણ તોડફોડ બાદ આગ ચાંપવામાં આવેલી છે. ભાજપના આરોપ પ્રમાણે તોડફોડની ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે ઉપદ્રવીઓ ભાગી ગયા હતા. આ ઘટના બાદ નંદીગ્રામ બજાર વિસ્તારમાં તણાવ વધી ગયો છે.
ઉલ્લેખનીય છે કે, બંગાળમાં ભલે તૃણમૂલ કોંગ્રેસનો વિજય થયો હોય પરંતુ નંદીગ્રામ ખાતે મુખ્યમંત્રી મમતા બેનર્જી ચૂંટણી હારી ગયા છે. ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના શુભેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને હરાવ્યા છે.
પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારથી હિંસા થઈ રહી છે. રવિવારથી લઈને અત્યાર સુધીમાં બંગાળમાં હિંસા દરમિયાન ૪ લોકોના મોત થયા છે. તેમાં દક્ષિણ ૨૪ પરગણા, નદિયા ખાતે ભાજપના કાર્યકર, વર્ધમાનમાં ટીએમસી અને ઉત્તર ૨૪ પરગણામાં આઈએસએફના કાર્યકરે જીવ ગુમાવ્યો છે.