પ.બંગાળમાં માઓવાદી ફરી સક્રિય થવાના સંકેત
કોલકાતા, પશ્ચિમ બંગાળમાં માઓવાદીઓ ફરી સક્રિય થાય તેવી શક્યતાઓના પગલે રાજય સરકારની ઉંઘ ઉડી ગઈ છે. પુરૂલિયા જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં માઓવાદીઓના નામથી લાગેલા પોસ્ટર મળી આવ્યા છે. લાલ સહીથી લખાયેલા પોસ્ટરોમાં આ જિલ્લાના સરકારી અધિકારીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા છે અને સાથે સાથે સીએમ મમતા બેનરજીના રાજીનામાની માંગ કરવામાં આવી છે.
પોસ્ટરોમાં લખવામાં આવ્યુ છે કે, મુખ્યમંત્રી રાજનામુ આપે નહીંતર તમારો કોઈ કાર્યકર કે નેતા તમારો જીવ બચાવી નહીં શકે. અન્ય એક પોસ્ટરમાં કહેવામાં આવ્યુ છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકારના કાળા કાયદા હટાવવામાં આવે. દેશમાં માઓવાદી શાસન સ્થાપવા માટે લોકો એક થાય. પોસ્ટરો મળ્યા બાદ સમગ્ર વિસ્તારમાં ગભરાટ છે.
તાજેતરમાં આઝાદી પર્વે પણ આ પ્રકારનુ એક પોસ્ટર મળી આવ્યુ હતુ અને તેના પગલે હવે રાજ્યમાં માઓવાદીઓ સક્રિય થયા હોવાની અટકળો પણ શરૂ થઈ છે. થોડા વર્ષ પહેલા જ રાજ્યમાં માઓવાદી હિંસા પર લગામ લાગી હતી. માઓવાદી નેતા કિશન જીના એન્કાઉન્ટર બાદ તો આ પ્રવૃત્તિ લગભગ શાંત પડી ગઈ છે પણ એક મહિનાથી માઓવાદીઓ સક્રિય થવાની બાતમી મળી રહી છે અને પોસ્ટરો પણ સામે આવી રહ્યા છે.
જેનાથી ગ્રામ્ય વિસ્તારના લોકો ગભરાઈ રહ્યા છે. બંગાળમાં સરેન્ડર કરનારા માઓવાદીઓને હોમગાર્ડની નોકરી પણ આપવામાં આવી છે. ચાર જિલ્લામાં ૨૨૦ આવા માઓવાદીઓને પોલીસ તંત્રમાં હોમગાર્ડ તરીકે નોકરી અપાઈ ચુકી છે. દરમિયાન પોલીસનુ કહેવુ છે કે, પોસ્ટરો લગાવવાની ઘટનાની તપાસ ચાલુ છે.SSS