ફટાકડાના ભાવ વધ્યા અને ઘરાકી પણ નથી નીકળી
ફટાકડાના ભાવમાં પણ ૧૦ થી ૧૫ ટકાનો વધારો આવ્યો
રાજકોટ, ગુજરાતમાં કોરોના અને કાળઝાળ મોંઘવારીના હાલના કપરાં કાળ પૂર્વે દિવાળી અને નૂતન વિક્રમ સંવતની ધામધૂમ, ધડાકાભેર ઉજવણી થતી રહી છે. ગત વર્ષે કોરોના પ્રતિબંધો બાદ હવે ગુજરાત સંપૂર્ણપણે અનલોક થયું છે. પરંતુ, પેટ્રોલ ડીઝલના ભાવવધારા સાથે અનેક વસ્તુઓમાં ભાવવધારો થયો છે.
ફટાકડાના ભાવમાં પણ ૧૦ થી ૧૫ ટકાનો વધારો આવ્યો છે. ઉપરાંત લોકડાઉન, કાચા માલના ભાવવધારો સહિતના પરિબળોથી માલનું ઉત્પાદન ઘટી જતા તેની અસર ફટાકડા પર પડી છે. આ વખતે બજારોમાં અવનવા ફટાકડાંનો સ્ટોક આવી ગયો છે, છતાં ખરીદીમાં મંદી રહી છે.
રાજકોટના વેપારી સૂત્રોએ જણાવ્યું કે તમિલનાડુમાં શિવાકાશી પહેલે થી જ દેશભરમાં ફટાકડા પૂરા પાડતી રહી છે. પરંતુ આ વખતે ત્યાં ગુજરાત કરતા પણ વધુ સમય લોકડાઉન ચાલતા અને વરસાદ પણ વધુ વરસતા ઉત્પાદન ચોથા ભાગનું થઈ ગયુ છે. માલ જાેઈએ એટલો આવતો નથી અને ભાવમાં વધારો કરી દેવાયો છે.
બજારમાં અવનવી વેરાઈટના ફટાકડા તો આવ્યા છે, વેચાણ શરૂ થઈ ગયું છે. પરંતુ, ગત વર્ષે શરદપુનમ વખતે સ્કૂલો બંધ હતી. પરંતુ, આ વખતે હજુ સ્કૂલો ચાલુ છે, પરીક્ષાઓ પણ લેવાઈ રહી છે, ત્યારે બાળકો માટે થતી છૂટક ખરીદી ઓછી છે. તો બીજી તરફ પેટ્રોલ જેવી અનિવાર્ય ચીજમાં પણ લોકો મર્યાદિત રકમનું જ પેટ્રોલ પૂરાવતા હોય અને એકંદરે પેટ્રોલનું વેચાણ ઘટયું છે.
ત્યારે ફટાકડા લોકો નંગ દીઠ નહીં પણ ચોક્કસ રકમના જ ખરીદે છે. જેથી વેપારીઓનો એકંદર નફો ઘટતો હોય છે. આ ઉપરાંત અગાઉ ચાઈનીઝ ફટાકડા બજારમાં મોટાપાયે ઘુસી જતા જેમાં નવી વેરાઈટી સાથે ભાવ સ્થાનિક માર્કેટ કરતા ઓછા હતા. પરંતુ, વેપારીઓ હવે પોતે જ ચાઈનીઝ ફટાકડા મંગાવતા નથી અને છૂટક વેપારીઓ ડમ્પ થયેલો માલ વેચતા તે પણ હવે મહદ્અંશે બંધ છે.
દિલ્હી સરકારે પ્રદુષણને ફટાકડા ફોડવાની મનાઈ કરી છે. ત્યારે ગુજરાત સરકાર પણ જાે આ દિવાળીએ આ પ્રકારના ર્નિણય લે તેનો ડર વેપારીઓને સતાવી રહ્યો છે. જાે આવું થશે તો ધંધો સાવ પડી ભાંગશે. ગુજરાત સરકાર આવો કાઈ ર્નિણય લેશે કે નહીં તેના પર વેપારીઓની મીટ મંડાઈ છે.