ફટાકડામાં વપરાતા ઝેરી રસાયણો અંગે CBIનો રિપોર્ટ ગંભીર: સુપ્રીમ
નવીદિલ્હી, ફટાકડા બનાવવામાં ઉપયોગમાં લેવાતા ઝેરી રસાયણોના ઉપયોગ અંગે સીબીઆઇનો રિપોર્ટ ગંભીર છે અને અમે લોકોને મરવા માટે છોડી શકતા નથી તેમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું છે કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બેરિયમના ઉપયોગ અને ફટાકડા પર લેબલ લગાવવા અંગે સુપ્રીમ કોર્ટના આદેશનો ભંગ કરવામાં આવ્યો છે.
ન્યાયમૂર્તિ એમ આર શાહ અને ન્યાયમૂર્તિ એ એસ બોપન્નાની ખંડપીઠે જણાવ્યું હતું કે સીબીઆઇએ જપ્ત કરેલા ફટાકડામાં બેરિયમ સોલ્ટ જેવા હાનિકારક કેમિકલ મળી આવ્યા હતાં.
કોર્ટે જણાવ્યું હતું કે હિંદુસ્તાન ફાયરવર્ક્સ અને સ્ટાન્ડર્ડ ફાયરવર્ક્સે જેવા ફટાકડા નિર્માતાઓએ મોટા પ્રમાણમાં બેરિયમ ખરીદ્યું અને ફટાકડામાં તેનું મોટા પ્રમાણમાં ઉપયોગ પણ કર્યો. ખંડપીઠે સીબીઆઇ, ચેન્નાઇના સંયુક્ત નિર્દેશકના અહેવાલના સંદર્ભમાં પોતાનો ફક્ષ રાખવા માટે નિર્માતાઓને વધુ એક તક આપી છે.
સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યા છે કે સીબીઆઇની પ્રાથમિક તપાસના અહેવાલની એક નકલ ગુરૂવાર સુધીમાં તમામ વકીલોને ઉપલબ્ધ કરાવવામાં આવે.
અમે લોકોને મરતા છોડી શકતા નથી. આ કેસની એાગામી સુનાવણી છ ઓક્ટોબરના રોજ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૯થી બેરિયમના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. આમ છતાં ફટાકડા નિર્માતાઓએ મોટા પ્રમાણમાં આ કેમિકલની ખરીદી કરી હતી.
ગયા વર્ષે ત્રીજી માર્ચે સુપ્રીમ કોર્ટે સ્ટાન્ડર્ડ ફાયરવર્ક્સ, હિંદુસ્તાન ફાયરવર્ક્સ, વિનાયગા ફાયરવર્ક્સ ઇન્ડસ્ટ્રીઝ, શ્રી મરિયામ્માન ફાયરવર્ક્સ, શ્રી સૂર્યકલા ફાયરવર્ક્સ અને સેલવા વિનયાગર ફાયરવર્ક્સને સુપ્રીમ કોર્ટના આદેશનો અમલ ન કરવાના કારણો રજૂ કરવા જણાવ્યું હતું.HS