અમદાવાદઃ ફટાકડા વેચાણ-ઉત્પાદન માટે ૩૦૦ વેપારીઓને પરવાનગી

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, રાજ્ય સરકાર દ્વારા ફટાકડા ફોડવા અંગે છૂટછાટ આપવામાં આવશે કે કેમ ? તેની ચર્ચા વચ્ચે અમદાવાદ શહેરના વેપારીઓએ ફટાકડા વેચાણ માટે પરવાનગી મેળવી લીધી છે. ચોંકાવનારી બાબત એ છે કે કોરોના અને લોકડાઉનના માહોલ વચ્ચે ગત વર્ષ કરતા માત્ર ૩૦ જેટલા વેપારીઓએ જ પરવાનગી માટે અરજી કરી નથી.
અમદાવાદ શહેરમાં ફટાકડાના વેચાણ માટે પોલીસ વિભાગ તથા ફાયર વિભાગની મંજૂરી જરૂરી છે. મ્યુનિ.ફાયર વિભાગના ચીફ ફાયર ઓફીસર દસ્તૂરના જણાવ્યા મુજબ શહેરમાં ફટાકડા માટે ૩૦૦ વેપારીઓને એનઓસી આપવામાં આવી છે.
જેમાં જથ્થાબંધ અને છૂટક વેપારીઓ તથા ઉત્પાદકોનો પણ સમાવેશ થાય છે. નિકોલથી વટવા સુધીના વિસ્તારમાં ખુલ્લા ખેતરમાં ફટાકડા બનાવવામાં આવે છે. તેમને પણ એનઓસી આપવામાં આવી છે. જ્યારે ૩૦૦ વેપારીઓ પૈકી ૨૭૪ વેપારીઓને સંપૂર્ણ વર્ષ દરમ્યાન ફટાકડા વેચાણ માટે એનઓસી આપવામાં આવી છે. આ વેપારીઓ પાસે સ્પ્રીન્કલર સહિત ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ રહે છે. ગત વરસે ફાયર વિભાગ દ્વારા ૩૩૪ વેપારીઓને ફટાકડાના વેચાણ માટે પરવાનગી આપવામાં આવી હતી. આમ, ગત વર્ષની સરખામણીએ ચાલુ વરસે માત્ર ૩૪ વેપારીઓએ જ પરવાનગી માટે અરજી કરી નથી. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.