ફડનવીસ ૪૦,૦૦૦ કરોડ બચાવવા સીએમ બન્યા હતાઃ અનંતકુમાર હેગડે
કેન્દ્રના ૪૦ હજાર કરોડ રૂપિયા બચાવી લેવા ફડનવીસને બહુમતિ ન હોવા છતાં ૩ દિવસ માટે મુખ્યમંત્રી બનાવાયા
મુંબઈ, મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડનવીસ દ્વારા એનસીપીના નેતા અજિત પવારની સાથે મળીને સરકાર બનાવવા અને ત્યારબાદ બહુમતિના પરિક્ષણ પહેલા જ રાજીનામુ આપી દેવાના મામલે વિરોધી દળો તેમના પર ત્રણ દિવસના મુખ્યપ્રધાનને લઇને પ્રહારો કરી રહ્યા છે. જો કે ભારતીય જનતા પાર્ટીના નેતા અને કેન્દ્રિય પ્રધાન અનંત કુમાર હેંગડેના ત્રણ દિવસના મુખ્યપ્રધાનને લઇને અલગ અભિપ્રાય ધરાવે છે. ઉત્તર કન્નડ (કર્ણાટક)ના ભાજપ સાંસદ અનંત કુમાર હેગડેએ કહ્યુ છે કે કેન્દ્ર સરકારના ૪૦ હજાર કરોડ રૂપિયા બચાવી લેવા માટે બહુમતિ ન હોવા છતાં દેવેન્દ્ર ફડનવીસને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા હતા. હેગડેએ કહ્યુ છે કે તમામ લોકો જાણે છે કે મહારાષ્ટ્રમાં અમારી વ્યક્તિ ૪૦ કલાક માટે મુખ્યપ્રધાન બની હતી. ત્યારબાદ ફડનવીસે રાજીનામુ આપી દીધુ હતુ. તેઓએ આ ડ્રામા ખાસ હેતુ સાથે ખેલ્યો હતો. અમારી પાસે બહુમતિ ન હતી. તેમ છતાં મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા હતા. દરેક વ્યક્તિ આ સવાલ કરે છે.
અનંત કુમાર હેગડેએ કહ્યુ હતુ કે ત્યાં મુખ્યપ્રધાનના નિયંત્રણમાં કેન્દ્ર સરકારના ૪૦ હજાર કરોડ રૂપિયા હતા. તેઓ જાણતા હતા કે જા કોંગ્રેસ-એનસીપી અને શિવસેનાની સરકાર સત્તામાં આવી જશે તો વિકાસ કામના બદલે તેનો દુરુપયોગ કરશે. આ જ કારણસર સમગ્ર નાટક કરવામાં આવ્યુ હતુ. ફડનવીસ મુખ્યપ્રધાન બન્યા હતા અને ૧૫ કલાકમાં જ કેન્દ્ર સરકારને ૪૦ હજાર કરોડ રૂપિયા પરત આપી દેવામાં આવ્યા હતા. ભારતીય જનતા પાર્ટી અને શિવ સેના વચ્ચે તીવ્ર આકરા પ્રહારોનો દોર જારી રહ્યો છે. સરકાર સત્તારૂઢ થયા બાદ જુના આદેશ અને યોજનાને બદલી નાંખવાની કામગીરીમા લાગેલી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા માટેના આદેશ પણ જારી કરવામાં આવ્યા છે.