ફતેપુરા ખાતે યોજાનાર ૭૧ મા જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કાર્યક્રમનું રિહર્સલ કરાયુ
દાહોદ: ૭૧માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી રાજય કક્ષાના મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવશે. આ ઉજવણી ફતેપુરા તાલુકાના ભૂરી બા પાર્ટી પ્લોટ સામેના મેદાનમાં કરવામાં આવશે.
આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી સુચારૂ રીતે થઈ શકે તે માટેનું રિહર્સલ કલેક્ટરશ્રી શ્રી વિજય ખરાડીની રાહબરી હેઠળ કરવામાં આવ્યું હતુ. જિલ્લા પોલિસ તંત્ર દ્વારા યોજાયેલ પરેડ તેમજ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા રજુ કરવામાં આવેલ સાંસ્કૃતિક કાર્યક્રમો, અશ્વ/ડોગ શોનું નિરીક્ષણ કરી જે તે ટીમ લીડરને જરૂરી સુચનાઓ આપી હતી. રીહર્સલમાં ભાગ લેનાર પરેડના જવાનો સાંસ્કૃત્તિક કાર્યક્રમમાં ભાગ લેનાર શાળાઓ, માધ્યમિક ઉચ્ચત્તર માધ્યમિક શાળાના બાળકો, વિધાર્થીઓની પ્રતિભાઓને નિહાળી બિરદાવતા વધુ સારો દેખાવ કરવા વધુ પ્રેક્ટિસ કરવા જણાવ્યુ હતુ.
ઉપરાંત કાર્યક્રમના દિવસે સ્વાતંત્ર્ય સેનાનીઓ, પદાધિકારી/અધિકારીઓ, પત્રકારો, ઓડિયન્સ વગેરેની બેઠક વ્યવસ્થા તથા રાજય સરકારની વિવિધ યોજનાકિય ઝાંખી દર્શાવતા ટેબ્લોઝના આયોજન વગેરે બાબતે સંબધિત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. કલેક્ટરશ્રીએ આ રાષ્ટ્રીય પર્વમાં જિલ્લાના તમામ નાગરિકો ઉત્સાહભેર જોડાય તેવી અપીલ કરી હતી. જિલ્લા પ્રશાસન દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણીની તમામ તૈયારીઓ સંપન્ન કરી દેવામાં આવી છે.
આ પ્રસંગે પોલિસ વડાશ્રી હિતેશકુમાર જોયશરે પરેડમાં ભાગ લેનાર તમામ પોલિસ જવાનો, મહિલા પોલિસ, વન વિભાગના બિટગાર્ડ, હોમગાર્ડના જવાનો, કેડેટ વગેરેને અભિનંદન પાઠવી આરોગ્ય વિષયક પૃચ્છા કરી રાષ્ટ્રીય પર્વે આકર્ષક પરેડ યોજાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નાયબ પશુપાલન નિયામક ર્ડા. કમલેશ ગોસાઇએ કર્યુ હતુ.