Western Times News

Gujarati News

ફરજ પર મહિલા બીટ ગાર્ડ સહિત ત્રણનાં મૃતદેહ મળ્યાં

પોરબંદર: પોરબંદર વન વિભાગમાં ફરજ બજાવતા એક મહિલા બીટ ગાર્ડ, તેના પતિ અને અન્ય એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. ત્રણેય લોકો ૧૫મી ઓગસ્ટના રોજ સાંજે લાપતા બન્યા હતા. મહિલાકર્મીનો સંપર્ક ન થતાં વનવિભાગ અને પોલીસે તેણીને શોધવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા. હવે તેમના મૃતદેહ મળ્યાં છે ત્યારે મોતનું કારણ શોધવા માટે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. એક સાથે ત્રણ ત્રણ લોકો લાપતા બનતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતા. એટલું જ નહીં જે મહિલાકર્મી લાપતા બન્યા હતા તેઓ પ્રેગનેન્ટ હતા.

મળતી માહિતી પોરબંદર વન વિભાગમાં છેલ્લા ત્રણ વર્ષથી હેતલ રાઠોડ નામના મહિલા બીટ ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. તેઓ ૧૫મી ઓગસ્ટના રોજ તેમના શિક્ષક પતિ કિર્તિભાઈ રાઠોડ અને વન વિભાગમાં જ રોજમદાર તરીકે કામ કરતા નગારભાઈ સાથે બરડા ડુંગરમાં પોતાની ફરજ પર ગયા હતા. ગોઢાણા બીટ પર ગયા બાદ ત્રણેય લોકોનો કોઈ સંપર્ક ન થતાં વન વિભાગે તમામની શોધખોળ શરૂ કરી હતી. બાદમાં આ મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.

હેતલબેનનો મોબાઇલ ફોન પર પણ સંપર્ક ન થઈ શકતા વન વિભાગની ચિંતા વધી હતી. કાર મળી આવી વન વિભાગ અને પોલીસની તપાસમાં હેતલબેન જે કારમાં ગયા હતા તે કાર ગોઢાણા કુંડવાળા નાકા પાસેથી મળી આવી હતી. તપાસ કરતા ત્રણેય લોકો કારમાંથી મળી આવ્યા ન હતા. જે બાદમાં વન વિભાગ અને પોલીસને કંઈક અજુગતું બન્યાની શંકા પડી હતી. મળતી માહિતી પ્રમાણે હેતલબેન ૧૫મી ઓગસ્ટના રોજ બપોર પછી પોતાના પતિ સાથે કારમાં નોકરી માટે નીકળ્યા હતા. સાંજે ચાર વાગ્યે તેમનો સંપર્ક તૂટી ગયો હતો. જે બાદમાં વન વિભાગે પોતાની રીતે તપાસ શરૂ કરી હતી. બીજા દિવસે આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.

એક સાથે ત્રણ લોકો ગુમ થયા બાદ વન વિભાગ, એલસીબી, એસઓજીની સહિતની ટીમોએ બરડા ડુંગરની આસપાસ તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ત્રણેય લોકોનાં મૃતદેહ મળી આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.