ફરવા લઈ જવાના બહાને યુવકની હત્યા
અંગત અદાવતમાં હત્યાની ધમકીથી કંટાળેલા યુવકે ધમકી આપનારને જ ચપ્પાના ઘા માર્યાં : દાણીલીમડા વિસ્તારમાં બનેલી ચોંકાવનારી ઘટના |
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં કથળેલી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ વચ્ચે એક પછી એક ગંભીર બનાવો બની રહયા છે શહેરમાં હત્યા અને હુમલાની ઘટનાઓથી નાગરિકોમાં ફફડાટ ફેલાયેલો છે આ પરિસ્થિતિ વચ્ચે શહેરના દાણીલીમડા વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક યુવકને તેના જ મિત્રોએ ફરવાના બહાને લઈ ગયા બાદ તેના ઉપર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી કરપીણ હત્યા કરવાની ચોંકાવનારી ઘટનાથી પોલીસતંત્ર ચોંકી ઉઠયું છે પ્રાપ્ત માહિતી મુજબ મૃતક યુવક અનેક ગુનાઓમાં સંડોવાયેલો હતો અને આરોપીઓએ તેનાથી કંટાળી આખરે હત્યા કરી નાંખી હોવાનું જાણવા મળી રહયું છે પોલીસે આ અંગે હત્યાનો ગુનો દાખલ કરી એક આરોપીની ધરપકડ
કરી છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં ખાસ કરીને પૂર્વના અને છેવાડાના વિસ્તારોમાં કેટલાક અસામાજિક ત¥વો દ્વારા આંતક મચાવવામાં આવી રહયો છે. શહેરના અમરાઈવાડી, રામોલ, દાણીલીમડા, ઓઢવ સહિતના વિસ્તારોમાં કેટલીક ગેંગો સક્રિય છે અને આ ગેંગો નિર્દોષ નાગરિકો પર હુમલા કરી આંતક મચાવતી હોય છે
પોલીસની અપુરતી કામગીરીથી આવા તત્ત્વો બેફામ બની જાય છે શહેરના દાણીલીમડા વિસ્તારમાં પણ કેટલાક શખ્સો દ્વારા હુમલા કરી આંતક મચાવવામાં આવી રહયો છે જેના પરિણામે સ્થાનિક નાગરિકોમાં ફફડાટ ફેલાયો છે આ દરમિયાનમાં ગઈકાલે દાણીલીમડા બેરલ માર્કેટ પાસે એક ચોંકાવનારી ઘટના ઘટી છે.
મહંમદ અકરમ ઉર્ફે રાજા રિયાઝુદ્દીન કુરેશી નામનો શખ્સ દાણીલીમડા બેરલ માર્કેટ પાસે આવેલી અલઅમન સોસાયટીમાં રહે છે. મહંમદ અકરમ અવારનવાર પોતાના વિસ્તારમાં પાનના ગલ્લે રાત્રિના સમયે બેસવા જતો હોય છે આ દરમિયાનમાં એક મહિના પહેલા તેને દાણીલીમડા બેરલ માર્કેટ પાસે રહેતા રફીક મણિયાર નામના યુવક સાથે બોલાચાલી થઈ હતી જાકે તે સમયે કેટલાક યુવકોએ વચ્ચે પડી મામલો થાળે પાડયો હતો અને ત્યારબાદ બંને વચ્ચે સમજુતી થઈ હતી.
એક મહિના અગાઉ થયેલી તકરાર બાદ સમાધાન થવા છતાં રફીક મણિયાર અવારનવાર મહંમદ અકરમને ધાકધમકી આપી હત્યા કરી નાંખવાની ચેતવણી આપતો હતો. રફીક મણિયાર આ વિસ્તારમાં માથાભારે શખ્સ હતો અને તે અગાઉ પણ અનેક ગુનાઓમાં પકડાયેલો છે જેના પરિણામે સ્થાનિક નાગરિકો તેનાથી ગભરાતા હતા. રફીક મણિયાર ઉત્તરપ્રદેશથી અહી રહેવા આવ્યો હતો અને તેનો ભુતકાળ ગુનાહિત હતો તેની ધમકીથી મહંમદ અકરમ ગભરાયેલો હતો
પરંતુ આખરે આવી ધમકીઓની પરવા કર્યાં વગર રફીકનો સામનો કરવાનુ નકકી કર્યું હતું આ માટે તેણે ગઈકાલે રાત્રે રફીકને બહાર જવુ છે તેવુ કહી તેને સાથે લઈ નીકળ્યો હતો ત્યારબાદ મહંમદ અકરમ રફીકને લઈને દાણીલીમડા બેરલ માર્કેટ પાસે લવ પાન પાર્લરની ગલીમાં સિલાઈ મશીનના કારખાનાના ધાબે લઈ ગયો હતો.
રફીક મણિયાર કશું સમજે તે પહેલા જ ધમકીઓથી કંટાળેલા મહંમદ અકરમે તેના પર હુમલો કર્યો હતો અને તીક્ષ્ણ હથિયારના ઘા મારતા રફીક મણિયાર સ્થળ પર જ લોહીલુહાણ હાલતમાં ઢળી પડયો હતો બુમાબુમ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા પરંતુ તે પહેલાં જ મહંમદ અકરમ ત્યાંથી ભાગી છુટયો હતો. બીજીબાજુ ગંભીર રીતે ઘવાયેલા રફીક મણિયારને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે એલ.જી. હોસ્પિટલમાં લઈ જવાની તજવીજ શરૂ કરવામાં આવી હતી પરંતુ તેનુ મૃત્યુ નીપજયું હતું.
યુવકની હત્યાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ હતી ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને ઘટનાની હકીકત જાણી આરોપીને પકડી લેવા માટે જુદી જુદી ટીમો બનાવવામાં આવી હતી પોલીસે ગણતરીની મીનીટોમાં જ મહંમદ અકરમની ધરપકડ કરી લીધી હતી જાકે એવુ પણ ચર્ચાઈ રહયું છે કે આ ઘટનામાં મહંમદ અકરમ સાથે અન્ય ત્રણ જેટલા યુવકો પણ તેની સાથે હતાં હાલ પોલીસે આરોપીની સામે હત્યાનો ગુનો દાખલ કરી તેની પુછપરછ શરૂ કરી છે.