ફરાર હિરા કારોબારી નિરવ મોદી ૧૧મી સુધી કસ્ટડીમાં
દર ૨૮ દિનમાં વિડિયો લિંક મારફતે હાજર કરવા આદેશ |
નવીદિલ્હી, બ્રિટનની એક અદાલતે ફરાર હિરા કારોબારી નિરવ મોદીની કસ્ટડી આજે ૧૧મી નવેમ્બર સુધી વધારી દેવામાં આવી હતી. પંજાબ નેશનલ બેંક સાથે જંગી ઠગાઈ અને મનીલોન્ડરિંગના કેસમાં આરોપોનો સામનો કરી રહેલા નિરવ મોદીની મુશ્કેલી હાલ ઓછી થાય તેવી કોઇ શક્યતા દેખાઈ રહી નથી. રેગ્યુલર રિમાન્ડની સુનાવણી માટે લંડનની જેલમાંથી વાયા વિડિયોલિંક તેને હાજર કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ નિરવ મોદીના પ્રત્યાર્પણની ટ્રાયલ હવે આગામી વર્ષે ૧૧મી મેથી ૧૫મી મે વચ્ચે હાથ ધરવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે જેના ભાગરુપે તેને દરેક ૨૮ દિવસના ગાળામાં વિડિયોલિંક મારફતે હાજર કરવામાં આવશે.
આગામી વર્ષે ફેબ્રુઆરીથી ટ્રાયલની પ્રક્રિયા શરૂ થશે. નિરવની સામે ભારતમાં મની લોન્ડરિંગ અને પીએનબી કૌભાંડને લઇને કેસ દાખલ કરવામાં આવી ચુક્યો છે. કોર્ટે કહ્યું છે કે, તે આગામી મે મહિનાથી તેમના પ્રત્યાર્પણની સુનાવણી કરવાની દિશામાં આગળ વધી રહી છે. ૪૮ વર્ષીય નિરવ મોદીને આજે વેસ્ટમિનિસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં વિડિયો લિંક મારફતે ઉપસ્થિત કરવામાં આવ્યા હતા. નિરવ મોદીના પ્રત્યાર્પણ કેસની સુનાવણી આગામી વર્ષે મે મહિનામાં ૧૧થી ૧૫મી મે વચ્ચે ચાલે તેવી શક્યતા દેખાઈ રહી છે. સુનાવણી દરમિયાન ઇડી અને સીબીઆઈના અધિકારીઓની ટીમ કોર્ટમાં ઉપસ્થિત રહી હતી.
બ્રિટનની કોર્ટના કહેવા મુજબ દરેક ૨૮ દિવસ બાદ પેન્ડિંગ પ્રત્યાર્પણની સુનાવણીમાં આ બાબત જરૂરી રહે છે. નિરવ માર્ચ મહિનામાં ઝડપાઈ ગયા બાદથી દક્ષિણ પશ્ચિમ લંડનની વેડ્સવર્થ જેલમાં છે જે ઇંગ્લેન્ડની સૌથી વધારે ભીડવાળી જેલ છે. ભારત સરકારના આક્ષેપો પર સ્કોટલેન્ડ યાર્ડ દ્વારા નિરવ મોદીની ૨૧મી માર્ચના દિવસે પકડી લેવામાં આવ્યો હતો ત્યારબાદથી તે જેલમાં છે. નિરવની ધરપકડ કરવામાં આવ્યા બાદ સોલીસીટર જનરલ આનંદ દુબે અને બેરિસ્ટર ક્લેયર દ્વારા ચાર વખત જામીન માટેની અરજી દાખલ કરવામાં આવી ચુકી છે પરંતુ દરેક વખતે તેમની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે.
જામીન અરજી ઉપર જૂન મહિનામાં સુનાવણી દરમિયાન રોયલ કોટ્ર્સ ઓફ જસ્ટિસના જજ જસ્ટિસ ઇન્ગ્રીડ સિમલરે કહ્યું હતું કે, આ બાબતના આધાર છે કે, મોદી સેરેન્ડર કરનાર ન હતા. કારણ કે, તેની પાસે ફરાર થવાના પૂર્ણ સાધનો હતા. આ પહેલાની સુનાવણીમાં કોર્ટે કેટલીક બાબતોને લઇને ચિંતા વ્યક્ત કરી હતી. નિરવ મોદીને લઇને ભારતમાં પણ હોબાળો રહ્યો છે.