ફરાર હોટલ સંચાલક પરિવાર સાથે કર્ણાટકમાં જઈ વેઈટર કેમ બન્યો !
જામનગર, જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રડાર રોડ ઉપર બજરંગ ડાઈનીંગ હોલ ચલાવતા અરવિંદ નિમાવત અને તેમની પત્ની શિલ્પા તથા પુત્ર કરણ અને રણજીત તેમજ પુત્ર કિરણ ઘર ખુલ્લા મુકીને તા.૧૧.૩.રર ના દિવસે ગુમ થઈ જતાં તેના મિત્રો ને જાણ થવાથી તુરત જ રાજકોટમાં રહેતા તેમના સાળાને જાણ કરી હતી.
આથી તેમના સાળા નરેન્દ્રભાઈએ જામનગર આવીને સીટી સી. ડીવીઝન પોલીસ મથકમાં પાંચેયની ગુમ થઈ ગયાની જાહેરાત કરી હતી. ગુમ થયેલા પરિવારની તપાસ પોલીસ ટેકિનકલ ઉપકરણના આધારે છેલ્લા અઠવાડીયાથી કર્ણાટક રાજયના બેંગ્લોર અને આજુબાજુ વિસ્તારમાં ગુપ્તરાહે કરી રહી હતી.
પોલીસ માહિતી એકત્ર કરી રહી હતી દરમિયાન તેઓએ મળેલા ચોક્કસ લોકેશનના આધારે બેંગ્લોરના બાયપાસ-ર ક્રોસ રોડના ગીચ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહીને હોટલમાં વેઈટરનું કામ કરતા ગુમ થયેલા સમગ્ર પરિવારને હેમખેમ શોધી કાઢયો હોવાથી તેમના કુટુંબીજનો તેમજ પોલીસ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
જે ગુમ થઈ ગયેલા પરિવારના પાંચેય સભ્યોને કર્ણાટકથી જામનગર પરત લાવવા માટેની કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી છે. હાલ તેઓ સુરક્ષિત જગ્યાએ પરીવાર સાથે હેમખેમ હોવાનું સામે આવ્યું છે.
નોંધનીય છે કે આ ગુમ થયેલા પરિવારનો કોરોના કાળ દરમિયાન હોટલનો ધંધો બરોબર નહીં ચાલતા સગાવહાલા અને નજીકના મિત્રો પાસેથી હોટલ ચલાવવા માટે હાથ ઉછીના રૂા.આશરે ૧૪થી ૧પ લાખ લીધા હતા. જે રૂપિયા ચુકવી શકે તેમ ન હોય આર્થિક સંકડામણ ના કારણે કર્ણાટક જતા રહ્યા હોવાનું અને ત્યાં ભાડાના મકાનમાં રહીને એક હોટલમાં વેઈટરનું કામ સંભાળી લીધું હોવાનું જાણવા મળ્યું હતું.