ફરિયાદીને ચોરીના પૈસાની કાર સોંપવા કોર્ટનો આદેશ
૧૨.૫૦ લાખની રોકડ અને ઘરેણાંની ચોરી કરી તેમાંથી આઇ-ટ્વેન્ટી કાર ખરીદી હતી
અમદાવાદ, ચોરી કરાયેલી રોકડથી કાર ખરીદવામાં આવે તો કારનો માલિક કોણ? આરોપી કે ફરિયાદી ? આવી રીતે ખરીદાયેલી કારના કબ્જા માટે આરોપીનો દીકરો અને ફરિયાદી હાઇકોર્ટમાં પહોંચ્યા હતા. હાઇકોર્ટે કારનો કબ્જાે ફરિયાદીને સોંપવા ટ્રાયલ કોર્ટને આદેશ કર્યો છે તેમજ આર.ટી.ઓ. દ્વારા કારની માલિકી ફરિયાદીના નામે ટ્રાન્સફર કરવામાં આવે તેવો આદેશ પણ કર્યો છે.
આનંદનગરમાં રહેતા શરદચંદ્ર શાહના ઘરે ૨ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ ૧૯.૨ લાખ રૃપિયાની ચોરી થઇ હતી અને જેમાં ૧૨.૫૦ લાખની રોકડ અને બાકીના ઘરેણાં હતા. આ અંગે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ક્રાઇમ બ્રાંચે થોડાં દિવસ બાદ ટ્રેપ ગોઠવી આરોપી સુરેશ લધુભાઇ મકવાણા ઉર્ફે સુખોને ઝડપ્યો હતો.
તપાસ દરમિયાન આરોપીએ નિવેદન આપ્યું હતંુ કે ફરિયાદીના ઘરેથી ચોરેલી રોકડમાંથી તેણે હ્યુન્ડાઇ કંપનીની આઇ-ટ્વેન્ટી કાર ખરીદી છે. આ કાર તેના દીકરાના નામે ખરીદવામાં આવી છે. આરોપીઓ અન્ય ચાર જગ્યાએ પણ ચોરી કરી હોવાથી તમામ કેસોનો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો.
જેથી ફરિયાદીએ કારના કબ્જા માટે ટ્રાયલ કોર્ટમાં અરજી કરી હતી. જેની સામે ફરિયાદીના દીકરાએ રજૂઆત કરી હતી કે આ કારની માલિકી તેના નામે છે. જેથી ટ્રાયલ કોર્ટે ફરિયાદીની અરજી ફગાવી કારનો વચગાળાનો કબ્જાે આરોપીના દીકરાને આપ્યો હતો.
જેથી ફરિયાદીએ હાઇકોર્ટમાં અપીલ કરી રજૂઆત કરી હતી કે આરોપીઓ નિવેદન આપ્યું છે કે તેના ઘરેથી ચોરાયેલી રોકડમાંથી તેણે કાર ખરીદી છે. તેથી કારની માલિકી તેને મળવી જાેઇએ. કોર્ટે આ રજૂઆત ધ્યાને લઇ ટ્રાયલ કોર્ટનો આદેશ રદ કર્યો છે, તેમજ ફરિયાદીને કારનો કબ્જાે આપવા અને આર.ટી.ઓ.માં કારની માલિકી ફરિયાદીના નામે કરાવવા આદેશ આપ્યો છે.