ફરિશ્તા સાથે વાત થઈ છે તેમ કહી બુઝુર્ગ કફન પહેરીને બેસી ગયા
બારાબંકી, ઉત્તર પ્રદેશના બારાબંકી ખાતે શુક્રવારે એક વૃદ્ધના સંભવિત મૃત્યુનો તમાશો જાેવા માટે લોકોની ભીડ જામી હતી. હકીકતે દિવસ-રાત ઈબાદતમાં ડૂબેલા રહેતા ૧૦૦ કરતા પણ વધારે ઉંમર ધરાવતા વડીલ મોહમ્મદ શફીએ પોતે જ પોતાના સગા સંબંધીઓ અને તે વિસ્તારના લોકોને એવો સંદેશો મોકલ્યો હતો કે, ફરિશ્તા સાથે તેમને વાત થઈ છે અને ૧ વાગીને ૧૦ મિનિટે તેમનું મૃત્યુ થઈ જશે.
ત્યાર બાદ કાયદેસર રીતે કબર બનાવવામાં આવી હતી અને બુઝુર્ગ પોતે ગુસ્લ અને કફન પહેરીને બેસી ગયા હતા. લોકો અનેક કલાક સુધી મીટ માંડીને રાહ જાેતા રહ્યા કે રૂહ એટલે કે આત્મા કઈ રીતે નીકળે છે. લોકોની લાગણીને માન આપીને પોલીસ અને પ્રશાસન પણ લાંબી પ્રતીક્ષા કરતું રહ્યું પરંતુ નિર્ધારિત સમય વીતી ગયા બાદ પણ ન મૃત્યુ આવ્યું કે ન ફરિશ્તો (દેવદૂત) આવ્યો. આખરે પોલીસે કોઈ રીતે સમજાવી પટાવીને તે વડીલને ઘરભેગા કર્યા હતા.
સફદરગંજ થાણા ક્ષેત્રના નૂરગંજ ગામ ખાતે શુક્રવારે આ પ્રકારની ઘટના બની હતી. પોતાના મૃત્યુની ભવિષ્યવાણી કરતા મોહમ્મદ શફીએ કહ્યું હતું કે, તેઓ ૫ વખતની નમાજ પઢે છે અને તેમને દરરોજ જિબ્રાઈલનો ભેટો થાય છે. તેમના દીકરાઓના કહેવા પ્રમાણે તેમનું માનસિક સંતુલન ઠીક નથી અને તેઓ સવારે જાતે જ કબર ખોદાવીને કફન પહેરીને પહોંચી ગયા હતા.SSS