ફરી ગુજરાતમાં જામ્યો છે વરસાદી માહોલ
સારા વરસાદના લીધે ખેડૂતોમાં ખુશીની લાગણી છે તો ક્યાં લોકોને હાલાકીનો પણ સામનો કરવો પડી રહ્યો છે
અમદાવાદ સહિત ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ
અમદાવાદ,ગુજરાતભરમાં ચોમાસું ફરી એકવાર એક્ટિવ થયું છે. ત્રીજા રાઉન્ડ દરમિયાન અમદાવાદ સહિત આસપાસના વિસ્તારો અને મધ્ય તથા ઉત્તર ગુજરાતમાં મેઘ મહેર થઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા ફરી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં બનેલી લો પ્રેશરની અસર પણ ગુજરાતના હવામાન પર પડી રહી છે, જેના કારણે આગામી દિવસોમાં પણ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યના દક્ષિણ ગુજરાતમાં સુરતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતના અરવલ્લી અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે નદી-નાળામાં નવા નીર આવ્યા છે. નર્મદા નદીમાં પુષ્કળ પ્રમાણમાં નવા નીરની આવક થઈ રહી છે. અંબાજીમાં પણ વરસાદી માહોલ છે.
ભારે વરસાદના કારણે રજાઓના સમયમાં ફરવા માટે નીકળેલા લોકોને પણ વરસાદના કારણે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. સારા વરસાદના લીધે ખેડૂતોમાં ખુશીની લાગણી છે તો ક્યાં લોકોને હાલાકીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. બનાસકાંઠામાં વરસાદી માહોલ જામ્યો છે, જેમાં પાલનપુર, ધાનેરા, દાંતિવાડા, વડગામ સહિત ના ભાગોમાં વરસાદી પાણી ભરાયા છે.
ભારે વરસાદના લીધે લોકોને નદી કિનારે ના જવાની સૂચના આપવામાં આવી છે. આ તરફ સાપુતારા સહિત દક્ષિણ ગુજરાતના ભરૂચ, નવસારી સહિતના જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ બન્યો છે. નર્મદા ડેમની જળસપાટી ૧૩૫.૨૯ મીટર પહોંચી ગઈ છે. ડભોઈના ચાંદોલમાં ભારે વરસાદના કારણે નદી બે કાંઠે વહી રહી છે. મલ્હારાવ ઘાટના ૭૮ પગથિયા ડૂબી ગયા છે. ભારે વરસાદ અને નદીનું જળસ્તર વધવાથી નંદેરીયા, ભીમપુરા, ચાંદોદ, કરનાળી સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી ભરૂચમાં ગોલ્ડન બ્રિજ પાસે નદીમાં જળસ્તર ઊંચું આવ્યું છે. આ સિવાય સારા વરસાદના કારણે પૂર્ણા, અંબિકા, ગિરા સહિતની નદીઓનું જળસ્તર ઊંચું આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદી માહોલ બનેલો છે. આજે પણ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં સારો વરસાદ રહેવાની સંભાવના છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં ગઈકાલે રાતથી વરસાદી માહોલ જામ્યો છે, જેમાં વહેલી સવારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. ૮ વાગ્યા પછી પણ અમદાવાદ શહેર કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું રહ્યું છે અને હળવો વરસાદ વરસી રહ્યો છે.ss1