ફરુખાબાદમાં બંધક ૨૩ બાળકોને પોલીસે મુક્ત કરાવ્યા, અથડામણમાં બદમાશ ઠાર
ફરૂખાબાદ, ઉત્તરપ્રદેશના ફરુખાબાદમાં એક શખ્સ દ્વારા બંધક બનાવવામાં આવેલા ૨૩ બાળકોને સ્થાનિક પોલીસે ૧૧ કલાકના ઓપરેશન બાદ સુરક્ષિત મુક્ત કરાવ્યા છે. પોલીસ સાથે થયેલા ઘર્ષણમાં આરોપી સુભાષ બાથમ ઠાર મરાયો છે.
આ મામલે મુખ્ય સચિવ ગૃહ અવનીસ અવસ્થીએ મોડી રાત્રે જણાવ્યુ કે, બધા બાળકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે, અને બાળકોને બંધક બનાવનારો શખ્સને ઠાર મરાયો છે. ઉલ્લેખનીય છે કે, ગુરુવાર સાંજે એક વ્યક્તિએ જન્મદિવસ મનાવવાના બહાને ૨૩ બાળકોને પોતાના ઘરમાં બોલાવીને બંધક બનાવી લીધા હતા.
બાળકોને બહાર કાઢવા માટે યુપી પોલીસે આને ‘ઓપરેશન માસૂમ’નુ નામ આપ્યુ હતુ, આ ઓપરેશનના સફળ થયા બાદ ડીજીપી ઓપી સિંહ અને પ્રમુખ સચિવ ગૃહે પ્રેસ કાન્ફરન્સ કરી બોલાવી હતી. ઉત્તર પ્રદેશના ડ્ઢય્ઁ ઓ.પી. સિંહે જણાવ્યું હતું કે, સમગ્ર ઓપરેશન દરમિયાન પોલીસે બદમાશને વ્યસ્ત રાખ્યો હતો અને પોલીસે પાછળના દરવાજેથી ઘરમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બદમાશ સુભાષ બાથમ અને પોલીસ વચ્ચે ગોળીબાર થયો હતો. જેમાં સુભાષ બાથમ ઠાર માર્યો ગયો હતો. ઘર્ષણમાં ઓરોપીની પત્ની પણ ઘાયલ થઇ હતી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોલીસની ટીમને ૧૦ લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે.
મોહમ્દાબાદ વિસ્તારમાં જેલમાંથી જામીન પર બહાર આવેલ બદમાશ સુભાષે પોતાની પુત્રીના જન્મદિવસની ઉજવણીના નામે ગામના બાળકોને પોતાના ઘરે બોલાવ્યા હતાં. પોલીસ પર આરોપીએ ફાયરિંગ કરતા ૨ પોલીસકર્મી ઘાયલ થયા હતા. પોલીસે આરોપીના એક મિત્રને સમજાવવા માટે અંદર મોકલ્યો હતો, તેને પણ ગોળી વાગી છે. આરોપીએ ૬ વખત ગોળીબાર કર્યો હતો અને ઘરની બહાર હેન્ડગ્રેનેડ પણ ફેંક્યા હતા. આરોપીએ બાળકોને અંડરગ્રાઉન્ડ રૂમમાં બંધ કરી દીધા હતાં. આરોપીએ ૩૫ કિલોગ્રામ દારૂગોળાથી આખા ઘરને ફૂંકી મારવાની ધમકી આપી હતી.
ઉતર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. મુખ્ય સેક્રેટીર, ડીજીપી, એડીજી લો એન્ડ ઓર્ડર અને ગૃહ વિભાગના પ્રમુખ સચિવને યોગીએ બાળકોને સુરક્ષિત છોડવાવા માટે તાત્કાલિક એક્શન લેવા માટે આદેશ આપ્યો હતો. બાદમાં યોગીએ ફરુખાબાદના ડીએમ અને એસપી સાથે ચર્ચા કરી. યોગીએ વીડિયો કોન્ફોરન્સિંગ કરીને ફરુખાબાદ પોલિસની ઝાટકણી કાઢી. તેમણે કહ્યું કે કલાકોથી ફારુખાબાદ પોલીસ શું કરી રહી હતી. કોઈ પણ રીતે બાળકો અને મહિલાઓને મુક્ત કરાવવામાં આવે. ત્યાર બાદ પોલીસની કાર્યવાહીમાં આરોપી ઠાર મરાયો હતો. ફરૂખાબાદ ઃ
બદમાશની પત્નીને ભીડે ઈંટ-પથ્થરો ફટકારી મારી નાખી
ઉત્તરપ્રદેશના ફરુખાબાદના બંધક સંકટને ઉત્તર પ્રદેશ એ સફળતાપૂર્વક પાર પાડી દીધું છે અને બંધક બનાવનારા માથાભારે સુભાષ બાથમને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. બીજી તરફ, ગામ લોકો બેફામ માર મારતાં ઘાયલ થયેલી તેની પત્ની રુબીનું સારવાર દરમિયાન મોત થયું છે. કાનપુર રેન્જના આઈજી મોહિત અગ્રવાલે જણાવ્યું કે પોલીસ એન્કાઉન્ટર વખતે મહિલાએ (આરોપીની પત્ની) ભાગવાનો પ્રયાસ કર્યો અને જ્યારે તેના પતિ (આરોપી)એ ગોળી ચલાવી તો આક્રોશિત ગામના લોકોએ મહિલાને ઈંટ-પથ્થરોથી મારવાનું શરૂ કરી દીધું.
મહિલા તેમાં ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ તેના માથા પરથી લોહી વહી રહ્યું હતું. ઘાયલ મહિલાને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તેને તાત્કાલીક સારવાર માટે હાસ્પિટલ ખસેડવામાં આવી પરંતુ સારવાર દરિમયાન તેનું મોત થઈ ગયું. પોસ્ટમોર્ટમથી સ્પષ્ટ થશે કે મહિલાનું મોત કેવી રીતે થયું છે. એ યાદ રહે કે આરોપી સુભાષ બાથમે ગુરુવારે બપોરે મોહલ્લાના ૨૩ બાળકોને પોતાના ઘરે બર્થડે પાર્ટીનું બહાનું કરીને બોલાવ્યા હતા. ત્યારબાદ તેણે તે તમામ બાળકોને બંધક બનાવી દીધા હતા. આરોપી સાથે જ્યારે વાત કરવાનો પ્રયાસ કર્યો તો તેણે ફાયરિંગ કરી દીધું. ત્યારબાદ પોલીસ ટીમે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. પોલીસ સાથે થયેલા ઘર્ષણમાં સુભાષ બોથમ ઠાર મરાયો હતો. માર્યા ગયેલા આરોપી સુભાષ બાથમ પર વર્ષ ૨૦૦૧માં ગામની એક વ્યક્તિની હત્યાનો આરોપ હતો. હત્યાના આ મામલામાં હાલ તે જામીન પર જેલથી બહાર આવ્યો હતો.