ફરેડીથી સુરજપુર ગામ સુધી રોડના અભાવે કાદવ ખૂંદતા પ્રજાજનો
ભિલોડા : આજે દેશને આઝાદ થયાને સાત દાયકા થવા આવ્યા છતાં ક્યાંક ને ક્યાંક ખૂણે ખાંચરે હજુ પૂરતો વિકાસ થયો નથી સરકાર મેગાસિટી અને શહેરીકરણના વિકાસ માટે આંધળી દોટ મૂકી રહી છે અને શહેરોને જાજરમાન બનાવવા નાણાંની કોથળી ખુલ્લી મૂકી દે છે બીજીબાજુ ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રાન્ટના અભાવે પાયાગત સુવિધા થી વંચિત રહ્યા છે અરવલ્લી જીલ્લાના અંતરિયાળ અનેક ગ્રામ્ય વિસ્તારો પીવાના પાણી, વીજળી અને પાકા રસ્તા માટે વલખા મારી રહ્યા છે
આઝાદીના ૭૨ વર્ષ પછી પણ મોડાસાના ફરેડી ગામથી સુરજપુર ગામ (Modasa Faredi to Surajpur village road) સુધી જોડાતો પાકો રસ્તો ન હોવાથી ચોમાસામાં પ્રજાજનોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મોડાસા તાલુકા અને માલપુર તાલુકાને જોડાતો ત્રણ કિલોમીટર રોડ મેટલીંગ કરી મૂકી રાખવામાં આવતા ચોમાસામાં વરસાદ પડતાની સાથે ત્રણ કીમીનો માર્ગ કાદવ-કીચડમાં ફેરવતા અહીંથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરી પાણી-કાદવ કીચડ વચ્ચેથી મહામુશ્કેલી થી પસાર થવું પડે છે
ફરેડીથી સુરજપુર સુધીનો ત્રણ કિલોમીટર રસ્તો ડામર રોડ બનાવવા માટે અનેકવાર રાજકીય અગ્રણીઓ, અધિકારીઓ અને પદાધિકારીઓને વારંવાર મૌખિક રજુઆત કરવા છતાં રોડ બનાવવામાં કોઈ નક્કર કામગીરી ન થતા ગ્રામજનોમાં ભારે નિરાશા પ્રવર્તી રહી છે.