Western Times News

Gujarati News

ફલાવર શો માં ઉત્તરાયણના દિવસે પ૦ હજારથી વધુ લોકો ઉમટ્યા

ફલાવર શો ૧૯મી જાન્યુ. સુધી લંબાવાયો: છેલ્લા ચાર દિવસમાં ર લાખથી વધુ લોકોએ ફલાવર શોની મુલાકાત લીધી

અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પો. દ્વારા આયોજીત ફલાવર શો એ સહેલાણીઓમાં આકર્ષણ જમાવ્યું છે. મ્યુનિ. કોર્પોએ ચાલુ વર્ષે ફલાવર શો ની ટિકિટના દર બમણા કર્યાં હોવા છતાં ભારે ધસારો જાવા મળી રહયો છે અગાઉના વર્ષોમાં વિનામુલ્યે પ્રવેશ આપવામાં આવતો હતો તેમ છતાં ફલાવર શો માં બે થી અઢી લાખ સહેલાણીઓ આવતા હતા જયારે ર૦ર૦ના ફલાવર શો માં ચાલુ દિવસે રૂ.ર૦ અને શનિ- રવિવારે રૂ.પ૦ પ્રવેશ ફી રાખવામાં આવી હોવા છતાં અત્યાર સુધી અંદાજે પ લાખ સહેલાણીઓએ ફલાવર શો ની મુલાકાત લીધી છે.

મ્યુનિ. પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગના ડાયરેકટર જીગ્નેશભાઈ પટેલના જણાવ્યા મુજબ તા.૪ થી ૧૯ જાન્યુઆરી સુધી ફલવાર શો નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રથમ વખત ઉત્તરાયણના તહેવારો દરમિયાન પણ ફલાવર શો ચાલુ રાખવામાં આવ્યો છે તેમ છતાં સહેલાણીઓનો ભારે ધસારો જાવા મળ્યો છે ઉત્તરાયણના દિવસે લગભગ પ૦ હજાર સહેલાણીઓએ ફલાવર શો ની મુલાકાત લીધી હતી જયારે તેના આગળના દિવસે પ૬ હજાર કરતા વધુ સહેલાણીઓ આવ્યા હતા. ગત શનિવારે થયેલ ભારે ભીડ અને નાગરિકોના સારા પ્રતિસાદના પગલે રવિવારે સવારે ૭ થી મોડી રાત્રે ૧૧.૦૦ વાગ્યા સુધી ફલાવર શો ચાલુ રાખવામાં આવ્યો હતો તેમ છતાં તે દિવસે ૮પ હજાર ટિકિટોના વેચાણ થયા હતા જેને એક વિક્રમ માનવામાં આવે છે. ફલાવર શો માં ૧૪ જાન્યુઆરી સુધી ૪.૬૭ લાખ ટિકિટોના વેચાણ થયા છે જયારે સિનીયર સીટીઝન અને ૧ર વર્ષથી નીચેના બાળકોને વિનામુલ્યે પ્રવેશ આપવામાં આવે છે એક અંદાજે પાંચ લાખથી વધુ સહેલાણીઓએ મુલાકાત લીધી હોવાનું અનુમાન છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ર૦૧૯માં ૩.રપ લાખ ટિકીટોનું વેચાણ થયુ હોવાનું મનાય છે. આમ જોવા જઈએ તો છેલ્લા ૪ દિવસમાં ર લાખથી વધુ લોકોએ ફલાવર શો ની મુલાકાત લીધી હતી. સિનિયર સિટિજન અને બાળકો માટે ફ્રી હતુ આમ ફલાવર શો એ અમદાવાદને ઘેલુ કર્યુ હતું. પ્રાપ્ત થતા અહેવાલ અનુસાર ફલાવર શો ને ૧૯મી જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે એ જોતા હજુ ફલાવર શો માં ઘસારો જોવા મળશે.  ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ફલાવર શો જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા જયારે આવકની સરખામણીમાં ગત વર્ષ કરતાં આ વર્ષે બમણી આવક થઈ હોવાનું મનાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.