ફાઇટર જેટ રાફેલનું આજે ભારતમાં આગમન
નવી દિલ્હી: ફ્રાન્સથી પાંચ રાફેલ ફાઈટર જેટ સોમવારે ભારત આવવા રવાના થઈ ગયા છે. આ પાંચેય વિમાને સોમવારની મુસાફરી પૂરી કરી લીધી છે અને યુએઈના અલદફ્રા એરબેઝ પર સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું છે. રાફેલને ફ્રાન્સથી યુએઈ પહોંચવામાં સાત કલાકનો સમય લાગ્યો હતો. આ વિમાન યુએઈથી ઉડીને સીધા ભારત પહોંચશે. ફ્રાન્સના શહેર બોર્ડેઓસ્કમાં વાયુસેનાના એરપોર્ટથી રવાના થયેલા ફાઈટર જેટ લગભગ સાત હજાર કિલોમીટરનો પ્રવાસ ખેડીને બુધવારે અંબાલા વાયુસેનાના એરબેઝ પર પહોંચશે.
વાયુસેનામાં રાફેલ સામેલ થયા બાદ તેની યુદ્ધ ક્ષમતામાં ઘણો વધારો થઈ જશે. ભારતને આ ફાઈટર જેટ્સ એવા સમયે મળી રહ્યા છે જ્યારે પૂર્વ લદાખની સરહદે તેનો ચીન સાથે તણાવ ચાલી રહ્યો છે. એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ૧૦ ફાઈટર જેટની ડિલિવરી સમયસર પૂરી થઈ ગઈ છે અને તેમાંથી પાંચ જેટ તાલિમ મિશન માટે ફ્રાન્સમાં જ રહેશે.
તેમાં કહેવામાં આવ્યું છે કે તમામ ૩૬ વિમાનોની ડિલિવરી ૨૦૨૧ના અંત સુધીમાં થઈ જશે. વાયુસેનાને પ્રથમ રાફેલ વિમાન ગત વર્ષે ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહની ફ્રાન્સ યાત્રા દરમિયાન સોંપવામાં આવ્યું હતું. ફ્રાન્સમાં ભારતના રાજદૂત જાવેદ અશરફે ફ્રાન્સથી ટેકઓફ થતા પહેલા ભારતીય વાયુસેનાના પાયલટ સાથે વાતચીત કરી હતી. આ પાંચેય ફાઈટર જેટ બુધવારે બપોરે વાયુસેનામાં સામેલ થઈ જશે તેવી આશા છે. જોકે, વાયુસેનાના એક પ્રવક્તાએ કહ્યું છે કે તેને એરફોર્સમાં સામેલ કરવાને લઈને ઔપચારિક સમારંભનું આયોજન ઓગસ્ટના મધ્યમાં કરવામાં આવશે. ભારતે વાયુસેના માટે ૩૬ રાફેલ ફાઈટર જેટ ખરીદવા માટે ચાર વર્ષ પહેલા ફ્રાન્સ સાથે ૫૯ હજાર કરોડ રૂપિયાનો કરાર કર્યો હતો. રાફેલ સાથે ઈઝરાયલના સ્પાઈસ ૨૦૦૦ બોંબને કોન્સોલિડેશન અને ટેસ્ટિંગમાં લાંબો સમય લાગી રહ્યો છે. તેથી તેમાં હેમર મિસાઈલો ફિટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૂત્રોએ જણાવ્યું છે કે ઈમર્જન્સી સ્થિતિમાં ભારત પાસે હેમર મિસાઈલોના ઉપયોગ ઉપરાંત અન્ય કોઈ વિકલ્પ નથી. આ મિસાઈલો રાફેલ જેટ માટે એકદમ ફિટ છે.
રાફેલમાં ત્રણ પ્રકારના મિસાઈલ સામેલ હશે. હવાથી હવામાં પ્રહાર કરી શકે તેવી મીટિયોર મિસાઈલ ૧૫૦ કિમી દૂરના શત્રુવિમાનને નિશાન બનાવી શકે છે. જ્યારે હવામાંથી જમીન પર પ્રહાર કરી શકતી સ્કાલ્પ મિસાઈલ ૩૦૦ કિમી દૂર શત્રુ સૈન્યના ભૂમિમથક પર પ્રહાર કરી શકે છે. ત્રીજી હેમર મિસાઈલ અંગે હાલમાં જ ભારતે સોદો કર્યો છે. આ મિસાઈલ ઓછા અંતરના નિશાન પર હવાથી જમીન પર પ્રહાર કરી શકવા સક્ષમ છે.
રાફેલની સરખામણીએ એફ-૧૬ના ભાથામાં ફક્ત એમરોમ મિસાઈલ સામેલ છે, જે ૧૦૦ કિમી દૂર હવાથી હવામાં પ્રહાર કરવા સક્ષમ છે. જોકે જે-૨૦માં ૩૦૦ કિમી દૂર પ્રહાર કરી શકતી પીએલ-૧૫ અને ૪૦૦ કિમી દૂર પ્રહાર કરી શકતી એર ટૂ સરફેસ પ્રકારની પીએલ-૨૧ મિસાઈલ સામેલ છે. રાફેલને હેમર મિસાઈલથી સજ્જ કરવાની ભારતની યોજના પછી ચીને પણ ઓછા અંતરના એર ટૂ સરફેસ મિસાઈલથી પોતાના યુદ્ધવિમાનને સજ્જ કરવાની જાહેરાત કરી છે.