ફાઈઝરે રસી માટે ભારત પાસે ફાસ્ટ-ટ્રેક મંજૂરી માગી
નવી દિલ્હી: અમેરિકાની દવા બનાવતી કંપની ફાઇઝરે કેન્દ્ર સરકારને કહ્યું છે કે, તેની કોવિડ વેક્સિન ભારતમાં કોરોના વાયરસના વેરિયન્ટ વિરુદ્ધ ઉચ્ચ અસરકારકતા બતાવે છે. તજજ્ઞોનું માનવું છે કે, દેશમાં સંક્રમણ અને વિનાશકારી બીજી લહેર પાછળ આ વેરિયન્ટ છે.
ન્યૂઝ એજન્સીના પ્રમાણે, સૂત્રોએ જણાવ્યું છે કે ફાઇઝરે કેન્દ્ર સરકારને જાણકારી આપી છે કે તેમની રસી ૧૨ વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો માટે કારગત સાબિત થઇ છે. મહત્વની વાત એ છે કે, તેને બેથી આઠ ડિગ્રી તાપમાન વચ્ચે કોલ્ડ સ્ટોરેજમાં એક મહિના સુધી સંગ્રહીત કરી શકાય છે.
ફાઇઝરે કેન્દ્ર સરકાર પાસે આ વેક્સિનના ઉપયોગ માટે ફાસ્ટ-ટ્રેક મંજૂરી માંગી છે. સાથે જ કહ્યું છે કે, જુલાઇથી ઓક્ટોબર વચ્ચે પાંચ કરોડ ડોઝ રોલ આઉટ કરશે, જાે તેને સરકાર પ્રતિકૂળ ઘટનાઓના મામલે વળતર અથવા વળતર દાવાઓથી સુરક્ષા સહિત મહત્વપૂર્ણ નિયમનકારી છૂટ આપે છે. જાે કે, દેશમાં ઉપયોગ થઇ રહેલી ત્રણ વેક્સિનમાં કોઇપણને પણ આ રીતે છૂટ આપવામાં આવી નથી. જેવી છૂટ ફાઇઝરે માંગી છે.
ફાઇઝરે ભારતમાં તેમની વેક્સિનને વહેલી તકે મંજૂરી આપવાની માંગ કરતાં ભારતીય અધિકારીઓને કહ્યું કે, તેમની રસી ભારતમાં ફેલાયેલા કોરોના વેરિયન્ટ વિરુદ્ધ ખૂબ જ અસરકારક છે અને તે ૧૨ વર્ષથી વધુ વયના બાળકોને પણ લગાવી શકાય છે. ફાઇઝરે ભારતીય અધિકારીઓ સાથે તાજેતરમાં થયેલી બેઠકમાં વિવિધ દેશો ને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા રસીની અસરકારકતા ટ્રાયલ અને મંજૂરીને લગતાં તાજા આંકડા રજૂ કર્યા.