ફાઈનાન્સ કંપનીના ડિરેકટરના બેંક લોકરમાંથી 34 લાખની ચોરી
લોકર નં.ર૦૧માં વડીલોએ આપેલા હીરાજડિત દાગીના, રોકડ રકમ સહિતની ચીજવસ્તુઓ હતી. -બેન્કના લોકરમાંથી રૂ.૩૪.૧૮ લાખની મત્તા ચોરી
(એજન્સી)અમદાવાદ, ‘હવે તો હદ થઈ ગઈ’ આ શબ્દ કહેવો એકદમ યોગ્ય લાગી રહ્યો છે. કારણ કે તસ્કરોની બાજ નજરથી શહેરની કોઈપણ જગ્યા સુરક્ષિત નથી રહી. ઘરમાં ચોરી થઈ શકે તેવી શંકા રાખીને લોકો પોતાના કિંમતી દાગીના અને રોકડ રકમ બેન્કના હાઈસિકયોરિટીવાળા લોકરમાં મૂકતા હોય છે પરંતુ હવે તસ્કરોએ લોકરને પણ પોતાનો ટાર્ગેટ બનાવવાના શરૂ કરી દીધા છે.
બેન્કો દ્વારા બનાવવામાં આવેલા લોકર હવે સુરક્ષિત નથી રહ્યાં તેને પૂરવાર કરતો કિસ્સો અંકુર વિસ્તારમાં બનયો છે. અંકુર વિસ્તારમાં આવેલી ઈન્ડિયન બેન્કના લોકરમાંથી હીરાજડિત દાગીના તેમજ રોકડ રકમ સહિત કુલ ૩૪.૧૮ લાખની મતાની ચોરી થતાં ચકચાર મચી ગઈ હતી. અમદાવાદની જાણીતી ફાઈનાન્સ કંપનીના ડિરેકટરના ખાનામાંથી તસ્કરોએ ચોરી છે.
પોલીસે ચોરીની ઘટનાની ગંભીરતા લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. લોકરમાં ત્રણ લાખની રોકડ અને ૩૧.૧૮ લાખના દાગીના હતા. નવરંગપુરા વિસ્તારની એચ.એલ.કોમર્સ કોલેજ પાછળ આવેલા શ્રીજી બંગ્લોઝમાં રહેતાં ૬૭ વર્ષીય ભાવનાબહેન દૃશનભાઈ મહેતાએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ૩૪.૧૮ લાખની ચોરીની ફરિયાદ કરી છે.
ભાવનાબહેન તેમના બે પુત્ર વિશ્વેષ મહેતા અને ચિરાગ મહેતા સાથે રહે છે. ભાવનાબહેન અમદાવાદની જાણીતી મહેતા ઈન્ટિગ્રેટેડ ફાઈનાન્સ લિમિટેડ કંપનીના ડિરેકટર છે. ભાવનાબહેનના સાસુ-સસરાએ વર્ષો પહેલાં અંકુર ખાતે આવેલી ઈન્ડિયન બેન્કમાં લોકર ખોલાવ્યું હતું જેનો નંબર-ર૦૧ છે. લોકર નંબર-ર૦૧માં ભાવનાબહેન તેમના કિંમતી દાગીના રોકડ રકમ સહિતની ચીજવસ્તુઓ રાખતા હતા.
સાસુ-સસરાની ઉંમર થઈ ગઈ હોવાના કારણે બેન્કમાં ભાવનાબહેનનું નામ ઉમેરવામાં આવ્યું હતું. સાસુ-સસરા તેમજ પતિ દર્શનભાઈના મૃત્યુ બાદ લોકરનો ઉપયોગ ભાવનાબહેન કરે છે. લોકર નં.ર૦૧માં વડીલોએ આપેલા હીરાજડિત દાગીના, રોકડ રકમ સહિતની ચીજવસ્તુઓ હતી. બેન્કના લોકરની ચાવી ભાવનાબહેન પાસે છે જ્યારે બીજી ચાવી બેન્કમાં હોય છે
જ્યારે પણ લોકર ખોલવાનું હોય ત્યારે ભાવનાબહેન પાસે રહેલી ચાવી તેમજ બેન્ક પાસે રહેલી ચાવી સાથે હોવી જરૂરી છે. બન્ને ચાવી સાથે હોય તો જ લોકર ખોલી શકાય છે. ભાવનાબહેને ર૯ મે ર૦ર૩ના રોજ લોકર ખોલ્યું હતું અને તે જ દિવસે બંધ કર્યું હતું. ભાવનાબહેનના દિકરા વિશ્વેષના જુલાઈ મહિનામાં લગ્ન છે.
જેના કારણે ભાવનાબહેનને દાગીના તેમજ રોકડની જરૂર હોવાથી તે તારીખ ૧પ મે ર૦ર૩ના રોજ બપોરના બાર વાગ્યાની આસપાસ બેન્કના લોકરમાં ગયા હતા. ભાવનાબહેને બેન્કના રજિસ્ટરમાં એન્ટ્રી કરી અને લોકરના ઈન્ચાર્જ જયેશભાઈની સાથે લોકર રૂમમાં ગયા હતા.