ફાયનાન્સ કંપનીના કર્મચારીએ ગ્રાહકોની જાણ બહાર EMI કાર્ડની મદદથી 10 લાખના મોબાઈલ ખરીદ્યા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/02/bajaj-emicard-1.jpg)
સુરતમાં બજાજ ફાયનાન્સ કંપનીના કર્મચારીનું કૌભાંડ-ગ્રાહકોની જાણ બહાર EMI કાર્ડની મદદથી મોબાઈલ ખરીદી ૧૦.૬પ લાખની છેતરપિંડી
સુરત, અડાજણના એલ.પી. સવાણી રોડની બજાજ ફાયનાન્સ કંપનીના એફઓએસ (ફેસ ઓફ સેલ્સ)એ કંપનીના સ્વર્ગસ્થ સહિતના ૬ ગ્રાહકોના ઈએમઆઈ કાર્ડનો દુરપયોગ કરી વેસુની ભાટીયા કોમ્યુનિકેશન અને પૂજારા ટેલિકોમમાંથી રૂ.૧૦.૬પ લાખની કિંમતના ૧૭ મોબાઈલ ફોનની ડિલીવરી મેળવી લીધા બાદ લોનની પ્રોસેસ ઓનલાઈન કેન્સલ કરી દઈ વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ ઉમરા પોલીસમાં નોંધાઈ છે.
અડાજણના એલ.પી. સવાણી રોડ સ્થિત યુનિવર્સલ બિઝનેશ સેન્ટરમાં આવેલી બજાજ ફાઈનાન્સ કંપનીમાં એફઓએસ (ફેસ ઓફ સેલ્સ) તરીકે નોકરી કરતા અર્વીસ નિલેશ શેદગે (રહે. એ/૧, ૧૦ર, સ્વપ્ર સૃષ્ટિ રેસીડન્સી, ભેસ્તાન) ને વેસુ તથા પીપલોદ સ્થિત ભાટીયા કોમ્યુનિકેશન તેમજ વેસુ વીઆઈપી રોડની પુજારા ટેલિકોમમાં ખરીદી માટે આવતા ગ્રાહકોની લોનની કાર્યવાહી કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
આ બંને દુકાનના સેલ્સ મેનેજરે બજાજા ફાઈનાન્સ કંપનીમાં ફરિયાદ કરી હતી કે ગત વર્ષના ઓકટોબર અને નવેમ્બર મહિનામાં ૧૭ લોનનું પેમેન્ટ ચુકવવામાં આવ્યું નથી જેથી કંપનીના એરીયા મેનેજર મયુર નરેશ જરીવાલા (રહે. ૧૮ સાંઈ સમર્પણ સોસાયટી, બમરોલી રોડ, ઉધના) એ તપાસ કરતા જાણવા મળ્યું કે,
કંપનીએ ગ્રાહકોને ઈસ્યુ કરવામાં આવેલા ઈએમઆઈ કાર્ડનો દુરપયોગ કરી લોનની ઓનલાઈન મંજુરી મેળવી હતી અને જે-તે દુકાનદારને તે દિવસનો જ ડિલીવરી ઓર્ડર આપ્યો હતો. ડિલીવરી ઓર્ડરના આધારે દુકાનદાર પાસેથી અવીસે મોબાઈલની ડિલીવરી મેળવી લીધી હતી અને લોન ઓનલાઈન પ્રોસેસથી કેન્સલ કરી હતી.
આ રીતે અર્વીસે ધનરાજ પાટીલના નામે ૯ મોબાઈલ કિંમત રૂ.પ.૯૭ લાખ, વિરેન રાઠોડના નામે ર મોબાઈલ કિંમત રૂ.૯૭ હજાર, નિલેશ સાવલીયાના નામે ર મોબાઈલ રૂ.૭૭ હજાર, આરતી તિવારીના નામે ૧ મોબાઈલ, રૂ.૪૮ હજાર, વિરલ કળથીયાના નામે ર મોબાઈલ રૂ.૬૯ હજાર અને દેવાંગ પટેલના નામે ૧ મોબાઈલ રૂ.૬૪ હજાર મળી કુલ ૧૭ મોબાઈલ કુલ કિંમત રૂ.૧૦.૬પ લાખની ખરીદી કરી હતી.