ફાયરના કર્મચારીઓની દારૂ પાર્ટીનો વીડિયો વાયરલ

પ્રતિકાત્મક
પોરબંદર, એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું જન્મસ્થળ. જે મહાત્માગાંધીના દારૂબંધીના માર્ગે ગુજરાત રાજ્ય ચાલ્યું અને રાજ્યમાં દારૂબંધી લાદવામાં આવી એ જ ગાંધીના પોરબંદરમાં દારૂબંધીને તમાચો મારતો એક વીડિયો સામે સામે આવતા ખળભળાટ મચી ગયો છે. પોરબંદરમાં ફાયર વિભાગના કર્મચારીઓએ ઓફિસમાં દારૂ પાર્ટી કરતા વીડિયોમાં કેદ થયા છે.
પોરબંદર પોલીસે આ દારૂ પાર્ટી પર દરોડા પાડતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. કમલાબાગ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો.ઇન્સ એચબી ધાધલ્યાના માર્ગદર્શન હઠળ કમલાબાગ પોલીસ સ્ટેશનના સર્વલન્સ સ્કવોડના પો.સબ.ઈન્સ એ એ.મકવાણા તથા સર્વલન્સ સ્કવોડના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા દરમ્યાન એ.એસ આઇ બી.એલ.વિંઝુડા તથા પો.કોન્સ અક્ષય જગતરસીને સંયુક્ત બાતમીરાહે હકીકત મળી હતી કે પોરબંદર જુડાળા ફાયર બ્રીગેડની બીલ્ડીગમાં કેટલાક ઇસમો ઉપરના માળે દારૂની મહેફીલ માણી રહ્યા છે. જેથી હકિકતવાળી જગ્યાએ રેઇડ કરતા ચાર ઇસમો દારૂની મેફીલ માણતા ઝડપાયા હતા.
આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર મનન ચતૂર્વેદીએ જણાવ્યુ કે આ અંગે મોડી રાત્રે ગુનો નોંધવામાં આવ્યો છે. ફાયરના કર્મચારીઓ હતા કે કોન્ટ્રાક્ટર તેની પણ તપાસ કરવામાં આવશે. જિલ્લા પોલીસ વડા રવિમોહન સૈનીએ આ અંગે જણાવ્યુ કે ગઈકાલે મોડી રાતે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ૪ જેટલા વ્યક્તિઓને પકડવામાં આવ્યા છે. આ કર્મચારીઓ દારૂ પી રહ્યા હતા તેની તપાસ કરી રહ્યા છીએ.
પ્રાથમિક રીતે એક બોટલ મળી આવી છે બાકી આમાથી કેટલા કર્મચારી છે તે પૂછતાછ પછી સામે આવશે. હજુ તો આઠ દિવસ પહેલાં જ મહિસાગર જિલ્લાના ડેભારી ગ્રામપંચાયતના તલાટીની દારૂ પાર્ટીનો વીડિયો વાયરલ થયો હતો. આ ઘટનાની શાહી સૂકાઈ નથી ત્યાં તો ફરી ગાંધીજીના પોરબંદરમાં જ દારૂની મહેફિલ માણતા ફાયરના જવાનોએ માજા મૂકી દીધી છે.SSS