Western Times News

Gujarati News

ફાયરબ્રિગેડની ટીમે રેસ્ક્યૂ કરી દટાયેલા ત્રણ લોકોને બહાર કાઢ્યા

અમદાવાદ: અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં આવેલી લખોટાની પોળની બહાર આજે વહેલી સવારે મકાનનો વચ્ચેનો ભાગ ધરાશાયી થયો હતો, જેમાં એક જ પરિવારના પિતા, પુત્ર અને પુત્રવધૂ દટાયાં હતાં. ફાયરબ્રિગેડની ટીમે તમામ લોકોને ઝડપથી રેસ્ક્યૂ કરી સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. દિવ્ય ભાસ્કરની ટીમે ઘટનાસ્થળે પહોંચી સમગ્ર પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો.

દરિયાપુર વિસ્તારમાં લખોટાની પોળ પાસે રોડ પર આ મકાન આવેલું છે. મકાનમાં ત્રણ ભાઈનો પરિવાર તેમના પિતા સાથે મકાનમાં સ્ટીમ પ્રેસનો વ્યવસાય કરતો હતો. એક ભાઈ ત્યાં જ રહેતો હતો, બાકીના બે ભાઈનો પરિવાર અન્ય જગ્યાએ રહેતો હતો. જાે રાતે તમામ પરિવારના સભ્યો હાજર હોત અને મકાનનો ભાગ પડ્યો હોત તો વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોત. જાેકે સદનસીબે તેઓ બચી ગયા હતા. ઇજાગ્રસ્તોમાં ઈરફાન પીરભાઈ શેખ (૩૯ વર્ષ),રેશમાં ઈરફાન શેખ (૨૮ વર્ષ) પીરભાઈ રમજુભાઈ શેખ (૭૦ વર્ષ )નો સમાવેશ થાય છે

મકાન ધરાશાયી થયું એમાં ઇજાગ્રસ્ત પરિવારના સભ્ય અમરીનબાનું શેખે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મકાનમાં ઇરફાનભાઈ શેખ અને સસરા પીરભાઈ શેખ રહેતા હતા. ત્રણ ભાઈઓ મકાનમાં સ્ટીમ પ્રેસનો વ્યવસાય કરે છે. દરરોજ સવારે અમે પરિવાર સાથે અહીં મકાન પર કામ માટે આવીએ છીએ. આજે સવારે અમે ઘરે હાજર હતા.

ત્યારે અમને જાણવા મળ્યું જ કે મકાન પડ્યું છે, જેથી પરિવાર સાથે અમે તાત્કાલિક અહીં પહોંચી ગયા હતા. ઇરફાનભાઈ, રેશ્માબેન અને પીરભાઈ ત્રણેયને ઇજા થતાં હાલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયાં છે. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા મકાનની બહાર ભયજનક મકાન હોવાની જાહેર નોટિસ લગાવીને ગયા છે.

દરિયાપુર લખોટાની પોળની આસપાસનાં મકાનોમાં આ મકાન વર્ષો જૂનું હોવાનું જાણવા મળ્યું હતું. મકાન એક માળનું છે, જેમાં બહારની ભાગમાં આવેલી ગેલરી અને ઉપરનો ભાગ જર્જરિત હાલતમાં જાેવા મળ્યો હતો. ઉપરના ભાગે તિરાડો પડી ગઈ છે. ધાબા પર પણ લીકેજ હોવાથી વરસાદમાં પાણી ન પડે એના માટે પ્લાસ્ટિક ઢાંકવામાં આવ્યું હતું.

મકાનની વચ્ચેનો ભાગ નબળો પડી ગયો હતો. બાજુમાં આવેલાં મકાનો પણ ભયજનક હોવાનાં જણાયાં હતાં. બાજુમાં આવેલું એક મકાન લોખંડના પાર્ટિશન પર એક ભાગ પર ઊભું કરવામાં આવેલું જણાયું હતું. બે મહિના પહેલાં શહેરના રાણીપ વિસ્તારમાં શાકમાર્કેટ પાસે આવેલી નેમિનાથ સોસાયટીમાં વહેલી સવારે ગેસનો બાટલો લીકેજ થતાં આગ લાગી અને બ્લાસ્ટ થયો હતો. આગ અને બ્લાસ્ટને કારણે બે માળનું મકાન ધરાશાયી થયું હતું, જેમાં બે મહિલાનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં છે, જ્યારે ચાર લોકોને ઈજાઓ થતાં ત્રણને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.